GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર, ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓની સંપત્તિ થશે જપ્ત

ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર કરાયું છે. ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવા માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે.

ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ છે. ત્યારે ગૃહમાં ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ બહુમતિથી પસાર કરાયું છે. ભ્રષ્ટાચાર સામે લડત ચલાવવા માટે આ વિધેયક મહત્વપૂર્ણ સાબિત થશે. સ્પેશિયલ કોર્ટ બિલની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કળિયુગના દાનવોના નાશ માટેનો આ કાયદો મહત્વનો છે, બિલના સમાચાર સાંભળી અનેક ગુનેગારોમાં દ્વારકાધીશના સુદર્શન અને મહાદેવના ત્રિશૂલથી ભય પેદા થાય તેવો ભય પેદા થયો છે.
ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ અનુસાર ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓની સંપત્તિ જપ્ત થશે. સાથો સાથ નવા કાયદા અંતર્ગત ACBના કેસો સ્પેશિયલ કોર્ટમાં ચાલશે. અત્રે ઉલ્લખનીય વાત છે કે, સ્પેશિયલ કોર્ટ અંતર્ગત ભ્રષ્ટાચાર આચરનાર અધિકારી, કર્મચારી, ખાનગી વ્યક્તિ કે કંપની સામે પગલા લેવાશે તેમજ એસપી કક્ષાના અધિકારી ભ્રષ્ટાચાર આચરનાર સામે તપાસ કરશે. કાયદા હેઠળ આરોપી કે તેના અન્ય કોઈ નજીકના વ્યક્તિના નામે ખરીદેલી પ્રોપર્ટી હશે તો જપ્ત કરી શકાશે. અન્ય વ્યક્તિના નામે રહેલી પ્રોપર્ટીના માલિકને પણ નોટિસ બજાવી તપાસ હેઠળ લાવી શકાશે. પૂર્વ એડિશનલ સેશન્સ જજથી નીચે નહીં તેવા વ્યક્તિને ઓથોરાઈઝ ઓફિસર તરીકે નિમણુંક અપાશે

કાયદો એવા કેસોમાં લાગુ પડશે કે જેમાં 3 વર્ષ કરતાં વધુની સજાની જોગવાઈ હોય. જણાવીએ કે, તપાસ કરનાર અધિકારીને એવું લાગે કે આ ગુનામાં અથવા આવા ગુનાઓમાં આરોપી પાસે 1 કરોડથી વધુની સંપત્તિ હોય તો તે જપ્ત કરાશે. કાયદાની કલમ 3 હેઠળ ખાસ અદાલત રચવાની જોગવાઈ પણ કરાઈ છે. 1 વર્ષમાં કેસ ચલાવી સજા કરવાની જોગવાઈ પણ છે. જો ઉપલી અદાલત દ્વારા વ્યક્તિ નિર્દોષ સાબિત થાય તો હરાજી કરાયેલ સંપત્તિ ઉપર 5 ટકા વ્યાજ ઉમેરી ને તેને પરત કરવામાં આવશે.

જે ગુનાઓમાં 3 વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય તે આરોપીને આ કાયદો લાગુ પડશે

  • આ કાયદાની જોગવાઇઓને સરળ ભાષામાં સમજીએ તો આ કાયદાની કલમ(૨)મા સ્પષ્ટતા કરવામા આવી છે કે આ કાયદાની જોગવાઇ એવા ગુનાઓ માટે જ છે કે જેમાં ૩ વર્ષથી વધુ સજાની જોગવાઇ હોય અને જેમાં પોલીસને લાગે કે તે ગુનાના આરોપી પાસે ગુનાઓ આચરીને મેળવેલી મિલકત એક કરોડથી વધુની હોય.
  • આ 3 વર્ષથી વધુની સજાવાળો ગુનો કોઇપણ કાયદા હેઠળનો હોય શકે છે. એટલે કે દારૂબંધીનો ગુનો હોય, NDPS એક્ટ હેઠળનો ગુનો હોય, જી.એસ.ટીનો ગુનો હોય કે પછી એન્ટી કરપ્શન એક્ટ હેઠળનો ગુનો હોય તેને આ કાયદો લાગુ પડે છે.
  • કેસોને ઝડપથી ચલાવવા માટે કાયદાની કલમ (૩) હેઠળ ખાસ અદાલત રચવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અદાલતમાં એવા જ કેસો ચાલી શકે છે કે જેને સરકાર દ્વારા આ અદાલતમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવે. આ તમામ કેસોની ઇન્સાફી કાર્યવાહી મહત્તમ એક વર્ષમાં પૂરી કરવાની રહે છે.
  • કાયદાની કલમ ૧૫ હેઠળ આવા કેસોમાં આરોપી પાસે ગુનાહિત પ્રવૃત્તિમાંથી કમાયેલી મિલકતને સરકાર દ્વારા જપ્ત કરી શકાશે, અને આ જપ્તીની કામગીરી પણ છ માસની સમય-મર્યાદામાં પૂર્ણ કરવાની જોગવાઇ કરી છે.
  • કલમ (5) હેઠળ આ પ્રકારના ગુનાઓમાં આરોપીની મિલકત જપ્તી કરવા માટે સરકાર દ્વારા અધિકૃત અધિકારીની નિમણૂંક કરવામાં આવશે. આ અધિકારી પણ એડિશ્નલ સેશન્સ જજ કક્ષાના નિવૃત ન્યાયિક અધિકારી હશે.
  • કલમ-14 હેઠળ અધિકૃત અધિકારીને ગુનાના તપાશનીશ અધિકારી દ્વારા મળેલી મિલકત જપ્તીની દરખાસ્તનો પૂરતો અભ્યાસ કર્યા બાદ આરોપીને આ મિલકત કેવી રીતે મેળવવામાં આવી તેની સ્પષ્ટતા કરવા નોટીસ મોકલવામાં આવશે.
  • જો સંબંધિત કેસમાં આરોપી નિર્દોષ છૂટી જાય તો તેને જપ્ત કરેલી મિલકત પરત મળી શકે છે.
  • વિશેષ કોર્ટના હુકમ સામે અને અધિકૃત અધિકારીના મિલ્કત જપ્તીના હુકમ વિરૂધ્ધ નામ. હાઇકોર્ટમાં અપીલ પણ કરી શકાય છે. જો મૂળ ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો થાય તો મિલકત પરત કરવી અથવા તો વાર્ષિક પાંચ ટકા વ્યાજ સાથે મિલકતની રકમની ચુકવણી કરવાની જોગવાઇ કરવામાં આવી છે.

આ કાયદાના અમલથી રાજ્યનો સામાન્ય નાનો આરોપી મોટો ગુંડો બનતા અટકી જશે

  • કોઇ નાનો આરોપી મોટો ગુંડો બને નહિ તેનું ધ્યાન હવે આ કાયદો રાખશે. એ પહેલા તેની તાકાત ખતમ કરી દેવામાં આવશે.
  • આ કાયદામાં કોઇ વ્યકિત જ નહિ પરંતુ કોઇ સંગઠન, મંડળી, કોઇ ચીટર કંપની કે સંસ્થાને પણ આરોપી ગણી તેની મિલકત જપ્ત કરી શકાય છે.
  • મિલકતની વ્યાખ્યામાં તમામ પ્રકારની મિકલત આવરી લેવામાં આવી છે. રોકડ, દાગીના, શેર, વાહન, કોઇ ઘર કે દુકાન કે અન્ય કોઇ પણ પ્રકારની આકસ્યામતો હવે જપ્ત કરી શકાશે.

Back to top button
error: Content is protected !!