છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર.

વરસાદના કારણે જિલ્લામાં થયેલા નુકસાનની જાણકારી મેળવીને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા પ્રભારી મંત્રીશ્રી
છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને અનુલક્ષીને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
મંત્રીશ્રીએ જિલ્લાના અધિકારીઓ સાથે જિલ્લામાં વરસાદની સ્થિતિ અંગે વિગતો મેળવીને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદ પડવા છતાં છોટાઉદેપુર જિલ્લામાં કોઈ મોટું નુકસાન થયું નથી. નેશનલ હાઈવે પર શિહોદ ચોકડી પાસેનો બ્રિજ ખૂબ જૂનો હોવાથી તૂટી ગયો છે. તેના વૈકલ્પિક માર્ગ તરીકે ઝડપથી ડાઈવર્ઝન બને તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા સમયમાં જિલ્લાના તમામ જૂના બ્રિજને નવા બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
માર્ગ અને મકાન (રાજ્ય), માર્ગ અને મકાન (પંચાયત), નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ મંત્રીશ્રીને જિલ્લામાં વરસાદના કારણે થયેલા નુકસાન, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ સહિતની વિગતો આપી હતી.
આ બેઠકમાં પ્રભારી સચિવ શ્રી પ્રવીણ સોલંકી, સાંસદ શ્રી જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, ધારાસભ્ય સર્વશ્રી શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, શ્રી અભેસિંહ તડવી, જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ, નિવાસી અધિક કલેકટર શ્રી શૈલેશ ગોકલાણી, પ્રાંત અધિકારી શ્રી વિમલ બારોટ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




