Rajkot: સાહિત્ય પ્રકાશન સહાય યોજનાનો લાભ મેળવવા ૧૦ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકાશે

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અનુસૂચિત જાતિ સંબંધિત પ્રકાશન માટે રૂ. ૧૦,૦૦૦ સુધીની સહાય અપાશે
Rajkot: મહારાજા સયાજીરાવ ગાયકવાડ અનુસૂચિત જાતિ સાહિત્ય પ્રકાશન સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-‘૨૫ માટે અનુસૂચિત જાતિના સાહિત્યકારો, સર્જકો, સંશોધકો અને પી.એચ.ડી.ધારકોને અનુસૂચિત જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે રૂ. ૧૦,૦૦૦ સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના અન્વયે અનુસૂચિત જાતિઓની વિવિધ સમસ્યાઓ સંબંધિત મૌલિક લખાણો અને સાહિત્યના પ્રકાશન માટે જ સહાય મળી શકશે. કોઈપણ અનુવાદ માટે સહાય મળી શકશે નહીં.
આ યોજનાના નિયત અરજીપત્રક સંબંધિત જિલ્લાના નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી અથવા આ કચેરીની વેબસાઈટ http://sje.gujarat.gov.in/dscw ઉપરથી ડાઉનલોડ કરીને મેળવી શકાશે. નિયત નમૂનાના અરજીપત્રકમાં સંપૂર્ણ વિગતો/આધારસહ આ કચેરીને તા. ૧૦ સપ્ટેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ મળેલ આવેદનપત્રો રદ ગણવામાં આવશે.
આવેદનપત્ર સાથે અનુસૂચિત જાતિના પ્રમાણપત્રની નકલ તથા અરજીપત્રકમાં દર્શાવ્યા મુજબની નકલો અવશ્ય જોડવાની રહેશે. અગાઉ લાભ મળેલા હોય તેવી વ્યકિતએ અરજી કરવાની રહેશે નહીં. અરજીપત્રક નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, બ્લોક નંબર ૪/૨, ડો. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે મોકલવાની રહેશે, તેમ નાયબ નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.


