Rajkot: રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ દ્વારા ચાર દિવસમાં વરસાદના અસરગ્રસ્ત ૬૦૦૦થી વધુ લોકોને ભોજન વિતરણ

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
અતિવૃષ્ટિના પ્રથમ દિવસથી જ રામકૃષ્ણ આશ્રમના સંતો તેમજ સ્વયંસેવકો ભોજન સેવામાં લાગી ગયા
શિવભક્તો માટે શ્રાવણ માસના અપવાસ નિમિત્તે ફરાળી નાશ્તાનું વિતરણ
Rajkot: રાજકોટમાં ભારે વરસાદ બાદ વિવિધ આશ્રયસ્થાનો પર રખાયેલા લોકોને સામાજિક સેવાની સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રામકૃષ્ણ આશ્રમ- રાજકોટ દ્વારા અવિરત ભોજનસેવા ચાલુ છે. આશ્રમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં આશરે ૬૦૦૦થી વધુ લોકોની ભોજનસેવા કરવામાં આવી છે.
રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના અધ્યક્ષ સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ચાર દિવસ પહેલા ભારે વરસાદ શરૂ થયો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા હતા અને તંત્ર દ્વારા બચાવ કાર્યો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ સમયે રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સંત દર્પહાનંદજી તથા સ્વયંસેવકોની ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને સર્વે કરીને બે કલાકમાં જ સ્થળાંતરિત લોકોને ગરમ ખીચડીનું ભોજન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આશ્રમ દ્વારા વરસાદ વચ્ચે ૨૫૦૦ લોકોને ખીચડી ઉપરાંત ૨૦૦૦ કોરા નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. એ પછી પણ ભોજનની સેવા સતત ચાલુ છે. અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં ૮૦૦૦ થેપલા ઉપરાંત ૪૫૦ કિલો ગાંઠિયા તેમજ ચવાણું, મસાલા ભાત વગેરે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસમાં કુલ મળીને આશરે ૬,૦૦૦થી વધુ લોકોને ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્ય હજુ પણ ચાલુ છે. આગામી દિવસોમાં સ્થળાંતરિત લોકોને તાલપત્રી તેમજ રાશનકિટ વિતરણ કરવાનું પણ આયોજન છે. તેમણે ઉમેર્યું હતું કે, ફૂડ પેકેટસ તેમજ ભોજન સામગ્રી માટે સંસ્થાના સ્વયંસેવકો, ભક્તો તરફથી વિશેષ સહયોગ મળી રહ્યો છે. રામકૃષ્ણ આશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે અપવાસ-એકટાણાં કરતા રાજકોટના શિવભક્તોનો વિશેષ ખ્યાલ રાખીને તેમને ફરાળી ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહયું છે. અને અસરગ્રસ્તોની ધાર્મિક ભાવનાનો પણ ખ્યાલ રાખવામાં આવી રહયો છે.
રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સંત દર્પહાનંદજીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ભારે વરસાદ શરૂ થતા અસરગ્રસ્ત લોકો માટે પ્રથમ દિવસથી જ ભોજન સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ૨૭મી ઓગસ્ટ સવારે આશરે ૬૦૦ જેટલા લોકોને ખીચડી વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ૨૭મીએ સાંજે વરસાદ વચ્ચે આશરે ૫૦૦ લોકોને ગરમ ભાત તેમજ લાડુ-નમકીનના પેકેટ, ઉપરાંત થેપલા સહિતનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.
૨૮મી સવારે ૧૦૦૦ કોરા નાસ્તાના પેકેટ તેમજ થેપલા-શાક- અથાણાના ૬૦૦ પેકેટ તેમજ ૬૦૦ જેટલા લોકોને ખીચડી વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત ગાંઠિયા તેમજ કોરો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. ૨૮મીએ સાંજે ખીચડી-થેપલા વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને ગાંઠીયા, થેપલા વગેરેના પેકેટ સવારના નાસ્તા માટે આગોતરા જ આપી દેવામાં આવ્યા હતા.
૨૯મીએ સવારે આશરે ૭૦૦ લોકોને ખીચડી ઉપરાંત ૧૫૦ કિલો ગાંઠિયા, દાબેલા ચણા તેમજ થેપલા-અથાણાના ૪૫૦ ફૂડ પેકેટ- નાસ્તા પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૨૯મીએ સાંજે ૫૦૦ થેપલા ઉપરાંત ૮૦૦ જેટલા લોકોને મસાલા ખીચડી તેમજ લાડુ-ચવાણાના ૧૦૦૦ પેકેટ તેમજ ૩૦૦ કિલો ગાંઠિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ભોજન સેવાના કાર્યમાં રામકૃષ્ણ આશ્રમના ૨૦ સંતો તેમજ ૨૫થી ૩૦ સ્વયંસેવકો ખડે પગે કામ કરી રહ્યા છે. જ્યારે સંસ્થા સાથે જોડાયેલી ૫૦થી ૬૦ જેટલી બહેનો થેપલાની સેવા આપી રહી છે. અમારા કાર્યમાં સંસ્થાના સ્વયંસેવકો તેમજ અન્ય ભક્તોનો પણ અમને પૂરતો સહયોગ મળી રહ્યો છે.
				






