Rajkot: રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકાઓમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરાઈ

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કોલેરા જેવા પાણીજન્ય રોગોને અટકાવવા આરોગ્યતંત્ર કટિબદ્ધ
Rajkot: ચોમાસામાં વરસાદ બાદ મેલેરીયા, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો વકરતો જોવા મળતો હોય છે. રાજકોટ સહિત ગુજરાતભરમાં ભારે વરસાદના પગલે આરોગ્ય વિભાગ સતત એક્ટીવ મોડમા કામગીરી હાથ ધરી રહ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર તકેદારીના ભાગરૂપે જુદી જુદી ટીમો બનાવીને પાણીજન્ય રોગચાળો ન ફેલાઈ તે માટે ટીમો દ્વારા ગામડાઓમાં પાણીના ટાંકામાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
લોકોને ઘરે ઘરે પીવાનું પાણી ક્લોરીનયુક્ત મળે તે માટે પેટા આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો સહિત આરોગ્યની ટીમ દ્વારા ગામના પીવાના પાણીના ટાંકામા ક્લોરીનેશન કરવામાં આવી રહ્યું છે. જેતલસરના પીપળવા ગામ ખાતે પણ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝરના સુપરવિઝન હેઠળ ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.




