સિદ્ધપુરના લુખાસણની મહિલાના હત્યારાને પોલીસે 41 દિવસે ઝડપ્યો.
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે હનુમાનજી મંદિર પાસે 41 દિવસ અગાઉ અચાનક ગુમ થયેલ મહિલાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ કરતા હત્યા થઈ હોવાનું સામે આવતા આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આખરે પોલીસે આ હત્યાનો ગુન્હો આચરનાર 25 વર્ષીય યુવાન કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીરહે-લુખાસણવાળોને પકડી પડી તેની અટકાયત કરી ગુનાનો વધુ ભેદ ઉકેલવા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામની સીમમાં આવેલ શિવસાગર હનુમાનજીના મંદિરની પાછળ ભાગે આવેલ બાવળોની ઝાડીમાં કેશરબેન વશરામભાઇ રાવળની લાશ બાવળના ઝાડ સાથે સાડીથી ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકેલી મળી આવતા મૃતકનાના દિકરા આશિષભાઇ વશરામભાઇ રાવળની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પીએમ રિપોર્ટ આધારે હત્યાનો ગુનો નોંધીને પાટણ એલસીબી સાયબર સહિતની ટીમોને કામે લગાડી ભારે મથામણ બાદ આખરે 40 દિવસે પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગે સિદ્ધપુર પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના કેસરબેન વશરામભાઈ રાવળ(ઉ.વ.45) ગામના હનુમાનજીના મંદિરે શ્રીફળ અને અગરબત્તીનો વેપાર કરતા હતા. જોકે 41 દિવસ અગાઉ રાત્રે તેમના જ ગામના કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીને તેમના દીકરાની દવા માટે પૈસાની જરૂરીયાત હોઇ જેથી પોતાના માતા-પિતા, ભાઇ, મિત્રો જોડે ઉછીના પૈસા માંગેલા પરંતુ પૈસાની વ્યવસ્થા ના થતાં આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં હનુમાનજીના મંદિરે જઈ મંદિરના બહારના ભાગે લારી ઉપર શ્રીફળ સહિત પુજાની સામગ્રીનો વેપાર કરતાં કેશરબેન રાવળની પાસે પૈસા હશે એવું માની પૈસાની ચોરી કરવાના ઇરાદાથી છુપાઇને અચાનક પાછળથી હુમલો કરતા કેશરબેને બુમાબુમ કરતાં કલ્પેશ અને કેશરબેન વચ્ચે ઝપાઝપી થયેલ જયારે કેશરેબેને પૈસા માટે હુમલો કરેલા ઇસમ કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીનાઓને ઓળખી લીધેલ અને કહેલ કે, “તે પૈસાની ચોરી માટે મારી ઉપર હુમલો કરેલ છે અને હું આ વાત આવતી કાલે ગામમાં જાહેર કરી ગામ ભેગુ કરી તને ગામ બહાર મુકાવી ગામ લોકો મારફતે દંડ કરાવીશ” જેથી પોતાની ઓળખ પ્રસ્થાપિત થતાં આ કામના આરોપીએ ગભરાઇને મરણ જનાર બહેનને મંદીરેથી ખેચીને બાવળોની ઝાડીમાં આરોપીએ સાડીના છેડાથી કેશરબેનને ટુંપો આપી હત્યા કરી હતી.
આરોપી કલ્પેશ વાલ્મીકિએ કેશરબેનના કબ્જામાંથી રૂ.૧૫૦૦/- કાઢી લીધેલ અને હત્યાબાદ મરણજનારની સાડીથી એક છેડો કેશરબેનના ગળામાં તેમજ બીજો છેડો બાવળની ઝાડના ઉપર ડાળીએ બાંધી દઈ હત્યાને આત્મહત્યામાં ખપાવવાની કોશીશ કરેલ જોકે પોલીસે આરોપી કલ્પેશ ડાહ્યાભાઇ વાલ્મીકીની અટકાયત કરી આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવી તેની પુછપરછ કરી તેના વિરુધ્ધ પુરાવા મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
વાત્સલ્યમ દૈનિક સમાચાર
બળવંત રાણા, સિદ્ધપુર