થરાદ નગરપાલિકા વિસ્તારમાં 3 કરોડ 17 લાખના વિકાસકામોનું કરાયું ખાતમુહુર્ત

*થરાદનો સર્વાંગી વિકાસ થયા તે માટે આપણે સૌ સાથે મળી કામ કરીએ :- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી*
થરાદ નગરપાલિકા વિસ્તારમાં આજે 3 કરોડ 17 લાખના વિકાસ કામોનું અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. થરાદ શહેરને 3 કરોડ 17 લાખના વિકાસ કામોની ભેટ મળતા નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આજે થરાદની વિનાયક સોસાયટી ખાતે વિકાસ કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આજે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં થરાદ શહેરને અનેક નવા વિકાસ કામોની ભેટ મળી છે. આ વિકાસ કામો પૈકી થરાદ શહેરમાં નવા 23 સીસી રોડનું નિર્માણ થશે. શહેરના બ્યુટીફિકેશન માટે 28 પેવરબ્લોકના કામ, 4 કંપાઉન્ડવોલ, શૌચાલય, સ્ટ્રીટલાઈટ, સ્ટ્રોમવોટર સહિતના કામો થશે. જે વિકાસના કામ પૂર્ણ થતાં થરાદ શહેરને નવી સુવિધાઓનો લાભ મળશે.
અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થયેલા ખાતમુહર્તના કામ આગામી છ માસમાં પૂર્ણ થશે. વિકાસ કામ સારી ગુણવત્તાવાળા થાય તે જોવું આપ સૌની જવાબદારી છે. થરાદના ભૂગર્ભગટરથી લઇ બગીચા સુધીનું કામ હાથ પર લીધું છે. થરાદને પ્રગતિશીલ થરાદ બનાવવા સાથે મળી પ્રયત્નો કરીએ. થરાદની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી કરવા મુખ્યમાર્ગો પર CCTV લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જ્યારે થરાદમાં આંતરાષ્ટ્રીય લેબ શરૂ થવા જઈ રહી છે. થરાદનો સર્વાંગી વિકાસ થયા તે માટે આપણે સૌ સાથે મળી કામ કરીએ.
આજે યોજાયેલા આ ખાતમુહર્ત કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ, થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી વિપુલભાઈ પરમાર, સંગઠનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યમાં થરાદના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર પ્રવીણભાઇ ચૌહાણ થરાદ બનાસકાંઠા





