આણંદ નગરપાલિકાની ૧૫ ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઈ કરી ૭૦૦ મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરાયો

આણંદ નગરપાલિકાની ૧૫ ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઈ કરી ૭૦૦ મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરાયો
તાહિર મમેમણ – આણંદ – 02/09/2024- આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ભરાયેલા પાણી ઓસરતાં કોઇપણ સ્થળે ગંદકી કે કચરાના લીધે રોગચાળો ના ફેલાય અને નાગરિકોને આરોગ્ય સંલગ્ન સમસ્યાનો સામનો ના કરવો પડે તે હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ આપેલ સૂચના અન્વયે તમામ તાલુકામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ અને સ્વચ્છતાલક્ષી કામગીરીના સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
જે અંતર્ગત ભારે વરસાદ બાદ ઉઘાડ નિકળતાં આણંદ નગરને સ્વચ્છ બનાવવા નગરપાલિકાની ૧૫ જેટલી ટીમોને શહેરી વિસ્તારમાં સ્વચ્છતાની કામગીરી અર્થે કામે લગાડવામાં આવી છે. છેલ્લા ૩ દિવસો દરમિયાન આ ટીમો દ્વારા કુલ ૭૦૦ મેટ્રિક ટન જેટલો કચરો નગરપાલિકા વિસ્તારમાંથી ઉપાડવામાં આવ્યો છે. તેમજ આ કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી તેનું ખાતરમાં રૂપાંતર કરવાની કામગીરી કરવામાં આવશે તેમ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે.ગરવાલ દ્વારા જણાવાયુ છે.




