Rajkot: રાજકોટ ઝોનની ભુજ તથા માંડવી નગરપાલિકામાં રોડ રીપેરિંગ, ગટર સફાઈ કામગીરી પૂરજોશમાં

તા.૫/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા રોડને તાત્કાલિક રીપેર કરીને મોટરેબલ કરવા યુદ્ધના ધોરણે રીપેરિંગ ચાલી રહ્યું છે. ઉપરાંત નાગરિકોના આરોગ્યને સીધા સ્પર્શતા મુદ્દાઓ જેવા કે ગટર સફાઈ તેમજ સ્વચ્છતા અંગે પણ સઘન કામગીરી ચાલી રહી છે.
રાજકોટ ઝોન નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાનીની સૂચના તેમજ અધિક કલેક્ટર શ્રી ઈલાબહેન આહીરના માર્ગદર્શનમાં ઝોનની પાલિકાઓમાં રોડ રીપેરિંગ, ગટર સફાઈ, પાણી નિકાલ, રોડ સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ભુજમાં ભારે વરસાદમાં તૂટી ગયેલા માર્ગોને નગરપાલિકા દ્વારા તાત્કાલિક રીપેર કરીને મોટરેબલ કરવામાં આવી રહ્યા છે. જેમાં હાઈવે તેમજ નગરના માર્ગો પર પડેલા ખાડા-ગાબડા પુરીને રોડ સમથળ કરાતાં વાહનચાલકોને રાહત મળી છે. ગટર સફાઈ તેમજ પાણી નિકાલ સહિતની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તૂટેલી ગટર, આર.સી.સી. માર્ગો યુદ્ધના ધોરણે રીપેર કરાઈ રહ્યા છે. જેના કારણે નાગરિકોને રાહત પહોંચી છે.






