Rajkot: વિંછિયાની સોમપીપળીયા નાની સિંચાઈ યોજના પૂર્ણઃ ૫૦૦થી વધુ એકર જમીનને લાભ થશે
તા.૫/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા સમીક્ષાઃ રૂ. ૪.૩૦ કરોડના ખર્ચે કામ પૂર્ણ થયું
Rajkot: રાજકોટ જિલ્લામાં વિંછિયા તાલુકાના સોમ પીપળીયા તથા વડોદ ગામને લાગુ પડતી, સોમપીપળીયા (ગોડલાધાર) નાની સિંચાઈ યોજનાના કામો આશરે રૂ.૪.૩૦ કરોડના ખર્ચે પૂર્ણ થયા છે. આ યોજનાથી ૩૨.૦૬ મીટર ઘનફૂટ એટલે કે ૯૦૮૦ લાખ લીટર પાણીનો સંગ્રહ થશે.
રાજ્યના જળસંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં હાલમાં રાજકોટ સિંચાઈ વર્તુળમાં ચાલતા નાની સિંચાઈના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં આ માહિતી સામે આવી હતી
સોમપીપળીયા (ગોડલાધાર) નાની સિંચાઈ યોજનાથી વિંછીયા તાલુકાના સોમપીપળીયા અને વડોદ ગામની ૨૨૨.૧૭ હેક્ટર એટલે કે આશરે ૫૪૯ એકર જમીનને સિંચાઈનો પ્રત્યક્ષ લાભ મળશે. આ ઉપરાંત પાણીનો સંગ્રહ થવાથી આસપાસના તળ ઊંચા આવશે. જેના કારણે કાળાસર તથા સોમપીપળીયા ગામના લોકોને પરોક્ષ ફાયદો થશે તેમજ ખેડૂતોને પણ ખેતી માટે વધુ પાણી મળી શકતા તેઓ વધુ ઉત્પાદન લઈને સમૃદ્ધ થશે. ઉપરાંત પશુધન માટે પણ પાણી ઉપલબ્ધ થશે. આ બેઠકમાં રાજકોટ સિંચાઈ વર્તુળના અધિક્ષક ઈજનેર સુશ્રી પ્રેક્ષા ગોસ્વામી, રાજકોટ સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી ભાવિન ભીમજીયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.