શ્રી કનૈયાબે ગ્રૂપ પ્રાથમિક શાળાનાં શિક્ષિકાને AMA દ્વારા રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

શિક્ષક દિવસ નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ અંતર્ગત અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા રમણભાઈ પટેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2003 થી શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષકોને તેમના યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. શિક્ષણમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવા માટે ‘ રમણભાઈ પટેલ – AMA સેન્ટર ફોર એક્સેલેન્સ ઈન એજ્યુકેશન ‘ ની સ્થાપના કરવામાં આવી હતી. 2021 માં છેલ્લે આ સન્માન આપવામાં આવ્યું હતું.આ એવોર્ડ માટે આખા રાજ્યમાંથી એક ગુજરાતી માધ્યમ અને એક અંગ્રેજી માધ્યમનાં શિક્ષકની પસંદગી કરવામાં આવે છે.આ વખતે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી 120 અરજી આવેલ હતી, તેમાંથી 20 વ્યક્તિનાં રૂબરૂ ઇન્ટરવ્યૂ લેવામાં આવેલ, જેમાં ગુજરાતી માધ્યમમાંથી શ્રી કનૈયાબે ગ્રૂપ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે 7 વર્ષથી ફરજ બજાવતા કૈલાસબેન જાદવને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગૌરવની વાત તો એ છે કે આજ સુધીમાં કચ્છમાંથી સૌપ્રથમ વાર કૈલાસબેન જાદવને આ સન્માન પ્રાપ્ત થયું છે, સમગ્ર કચ્છ અને મહિલા શિક્ષિકાઓ માટે આ એક ગૌરવની ક્ષણ બની રહી હતી. આ પ્રસંગે એન્ટી કરપ્શન બ્યુરો નિયામક ડૉ. શમશેર સિંઘ અને IIM નાં ભૂતપૂર્વ પ્રોફેસર બી.એચ.જાજૂ, પ્રેસિડેન્ટ સાવન ગોડિયાવાલા, દિવ્યેશ રાડિયા,સુહેલ આબિદી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી કનૈયાબે પ્રાથમિક શાળાની ડોક્યુમેન્ટ્રી પણ ઉતારવા આવી હતી, જે સમગ્ર ગુજરાત તથા IIM માં મોકલવામાં આવી હતી, રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક બનવા બદલ કૈલાસબેન જાદવને તેમના પરિવારજનો,શાળાનાં આચાર્ય અને શાળા પરિવાર, કનૈયાબે શાળાનાં બાળકો અને તેમના વાલીગણ, SMC અધ્યક્ષ અને ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓના શિક્ષકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.




