બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગનું મોટું ઓપરેશન ચોરી કરતા 100થી વધુ વાહનો સીઝ
બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે રાજ્યનું સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું છે. બનાસ નદીમાં રેતી ચોરી કરતા 100થી વધુ વાહનો પ્રાથમિક ધોરણે સીઝ કરવામાં આવ્યાં છે.

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાંથી રેતી ચોરી કરનારા ખનીજ માફીયાઓ પર જિલ્લાના ભૂસ્તર વિભાગની ટીમ ત્રાટકી હતી. આ ઓપરેશનમાં 30 કલાક સુધી કાર્યવાહી ચાલી હતી, જેમાં બનાસકાંઠા ઉપરાંત મહેસાણા, પાટણ, અમદાવાદની ટિમો તેમજ ફ્લાઇગ સ્કોર્ડની ટીમ જોડાઈ હતી. હિટાચી, લોડર, ડમ્પર સહિતના 100 જેટલા વાહનો સીઝ કરવામાં આવ્યાં છે.
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે બનાસ નદીમાં મોટાપાયે ગેરકાયદેસર રીતે ખનન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંઘ સારસ્વાએ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 5 વાગે તાત્કાલિક તેઓની ટીમને મોકલી હતી. ટીમે પહોંચી તપાસ કરતા નદી વિસ્તારમાંથી 100 જેટલા ડમ્પર અને ટ્રેલરો મળી આવતા આ તમામ વાહનો-મશીનો અટકાવી દીધા હતા.
ભુસ્તરશાસ્ત્રીને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને રેતી ચોરીમાં વધુ વાહનો હોવાથી કાર્યવાહી માટે મહેસાણા, પાટણ, અમદાવાદ જિલ્લાની ટીમો અને ફ્લાઇગ સ્કોર્ડની મદદ માંગતા આ તમામ ટીમો અરણીવાડા ગામે પહોંચી ગઈ હતી.
સ્થળ પર તમામ વાહનોનું ચેકિંગ કરતા મોટાભાગના વાહનો રોયલ્ટી વગર જણાયા હતા. ભૂસ્તર વિભાગની ટીમોએ સાંજે છ વાગે થી બીજા દિવસ સાંજ સુધી સતત 30 કલાક સઘન કાર્યવાહી કરી 100 જેટલા ડમ્પર અને ટેલરોને સ્થળ પર સીઝ કરવામાં આવ્યાં હતા. ટીમની અચાનક રેડથી અનેક વાહન ચાલકો રસ્તામાં જ રેતી ખાલી કરીને નાસી છૂટ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા ભુસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંઘે જણાવ્યું હતું કે અરણીવાડા ગ્રામજનોની ફરિયાદ ને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પ્રાથમિક દષ્ટિએ હાલ 100 જેટલાં વાહનો સીઝ કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ડીસામાં બનાસનદીના પુલ પાસેથી પણ વહેલી સવારે ગેરકાયદેસર ખનન કરતું એક મશીન, લોડર અને ડમ્પર કબ્જે કરવામાં આવ્યાં છેબનાસકાંઠામાં ક્યાંય પણ ખનીજ ચોરી થતી હશે તેને અટકાવવાના તમામ પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવશે. ખનીજ ચોરીને કોઈપણ સંજોગોમાં સાંખી નહીં લેવાય.





