Rajkot: રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે ૧૨થી ૧૪ સપ્ટેમ્બર સુધી પી.ઓ.એસ.બી. એકાઉન્ટ માટે મેગા ડ્રાઈવ

તા.૧૧/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે તા. ૧૨થી ૧૪મી સપ્ટેમ્બર સુધી મેગા કેમ્પની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ શ્રેણીના પી.ઓ.એસ.બી. (પોસ્ટ ઓફિસ સેવિંગ બેન્ક) એકાઉન્ટ ખોલવાની મેગા ડ્રાઈવ રાખવામાં આવી છે.
પોસ્ટ ઓફિસના દરેક ખાતાનો વ્યાજ દર સામન્યતઃ વધુ હોવાથી ગ્રાહકોને ફાયદો થાય છે. ૫૦૦ રૂપિયાના લઘુતમ બેલેન્સ સાથે બચત ખાતું ખોલાવી શકાય છે. જેમાં નેટબેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એટીએમ જેવી સુવિધાનો પણ લાભ મળે છે. ઉપરાંત રિકરિંગ ડિપોઝિટ, એન.એસ.સી. – કે.વી.પી. સર્ટીફિકેટ, સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ વિવિધ ટાઈમ ડિપોઝીટ, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી ખાતાની સ્કીમો છે. ભારત સરકારની ૧૦ વર્ષ કે તેથી નાની બાળકીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના સૌથી વધુ લાભદાયક છે. જેમાં અન્ય સ્કીમ કરતાં વધુ વ્યાજ મળે છે. દરેક ખાતાની માહિતી તેમજ ખાતું ખોલાવવા માટે ૧૨થી ૧૪ સપ્ટે. દરમિયાન રાજકોટની હેડ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પ રખાયો છે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવાકે આધાર કાર્ડ, પાનકાર્ડ અને બે પાસપોર્ટ સાઈઝ ફોટો લાવી કોઈ પણ ખાતું તત્કાલ ખોલી અપાશે. આ તકનો લાભ લેવા સિનિયર પોસ્ટ માસ્ટર, હેડ પોસ્ટ ઓફિસની યાદીમાં જણાવાયું છે.


