પ્રાકૃતિક ખેતી એટલે જમીનના સત્વ સાથે સંયોજન

પ્રાકૃતિક ખેતી એટલે જમીનના સત્વ સાથે સંયોજન 

આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી સિવાય કોઇ વિકલ્પ રહેશે નહી માટે અત્યારથીજ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતને બિરદાવીએ,તે રીતે મેળવેલા ખેત ઉત્પાદનને અપનાવીએ અને સરકારના માધ્યમમા તે ગાથા રજુ થાય તેને પ્રેરક બળ ગણીએ
રાજકોટ જીલ્લાના નવાગામના માનસિંહભાઈ ચૌહાણે પ્રાકૃતિક પધ્ધતિથી ખેતી કરી જમીનને બનાવી વધુ ઉપજાઉ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી દ્વારા કપાસ, મગફળી સહિતના પાક લઈ મેળવે છે લાખોની આવક
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ચોખ્ખું ખાવું અને ખવડાવવું એવી વડવાની શિખામણ પાળીએ છીએ
– કૃષક માનસિંહભાઈ ચૌહાણ
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી
(પ્રાદેશિક માહિતી કચેરી,રાજકોટ
ગુજરાત સરકાર)
વડવા કહેતા “ચોખ્ખું રહેવું, ચોખ્ખું ખાવું અને ચોખ્ખું ખવડાવવું” આ શિખામણ અમે પાળીએ છીએ….અમે ખેડૂત જ જો ચોખ્ખું ખાઈ કે ન ખવડાવીએ તો તો મા ભોમ રુઠે” રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નવાગામના માનસિંહભાઈ ચૌહાણના આ શબ્દો એક ખેડૂતની સમાજ માટેની અને ધરતી મા માટેની સંવેદનાથી ભરપૂર હતા. ખેડૂતને અન્નદાતા કહેવાય એ અહીં સાર્થક થતું હોય તેમ જણાતું હતું.
નવાગામના માનસિંહભાઈ ૮ વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી થકી કપાસ, મગફળી, તલ, કઠોળ સહિતના પાકોની ખેતી કરે છે. સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા માનસિંહભાઈ કહે છે કે, અમે પાંચ વર્ષથી એક પણ કેમિકલ વગરની ખેતી કરીએ છીએ. અગાઉ કેમિકલવાળી ખેતી કરતા ત્યારે જે પાક આવતો તેટલુ જ ઉત્પાદન તો મને પ્રાકૃતિક ખેતીથી પણ મળે છે, પણ હવે મારે ખેતી માટે બહારની વસ્તુ પર કોઈપણ ખર્ચ કરવો પડતો નથી. પાંચ થી છ ગાય હોવાથી તેના થકી જ ખાતર વગેરે બની જાય છે. સંપૂર્ણ ગાય આધારિત વસ્તુઓ જીવામૃત, ઘનજીવામૃત, ગૌમુત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, અજમાસ્ત્ર જેવા ઘરે જ સંપૂર્ણ કુદરતી વસ્તુથી બનાવેલા ઉત્પાદનોનો જ વાવણીથી લઈ તેની માવજત સુધી દરેક પગલે અમે ઉપયોગ કરીએ છીએ. આથી મારે ખર્ચમાં મોટો ઘટાડો થઈ ગયો છે.
પ્રાકૃતિક ખેતી અંગે વધુ જણાવતા માનસિંહભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી મારી જમીનની ફળદ્રુપતા વધતાં મારે પાકના ઉત્પાદનમાં પણ વધારો થયો છે. આ સાથે જ હું ત્રણે ઋતુમાં પાક લઉં છું. પ્રાકૃતિક ખેતી થકી માનસિંહભાઈ આજે લાખોનો નફો મેળવી રહ્યા છે. અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માનસિંહભાઈ હિમાયત કરતા કહે છે કે, લોકોએ જૂની વાતોને ભૂલી ન જવી જોઈએ. અગાઉ ચોખ્ખું ખાતા હોવાથી આપણા વડવાઓ કોઈપણ રોગ વગર અનેક વર્ષો તંદુરસ્તી સાથે જીવતા હતા. આજે ઘરે-ઘરે કેટલાય રોગ આવ્યા છે. આ રોગોનું મૂળ ક્યાંક આપણો ખોરાક પણ છે. ત્યારે જો ખેડૂત ખોરાકને ચોખ્ખો રાખવા માટે મહેનત કરશે તો પોતે અને બીજા લોકોને પણ તંદુરસ્ત રાખી શકશે. સરકાર પણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતમિત્રોને તમામ રીતે મદદરૂપ થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીનું મૂળ આપણી જૂની ખેતીની રીતમાં જ રહેલું છે તેને ફરી અપનાવી સૌએ આ કેમિકલવાળી ખેતીને છોડવાની જરૂર છે.
માનસિંહભાઈની આ વાત વર્તમાન સમયમાં તદ્દન બંધબેસતી છે. ત્યારે પ્રાકૃતિક ખેત પધ્ધતિ અપનાવી આવો સૌ સ્વસ્થ, નિરોગી જીવનની સાથે સાથે ધરતીપુત્રોના મહત્તમ આર્થિક ઉપાર્જનમા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહયોગી બનીએ.
__________________________
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






