Rajkot: રાજકોટ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી ૧૦માં સેવા સેતુનો પ્રારંભ

તા.૧૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ
Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૦માં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થશે. જેના આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ તમામ તાલુકામાં સેવા સેતુના આયોજન અંગે માઇક્રો પ્લાનિંગ કરી વિશિષ્ટ સેવા સેતુના આયોજન પર ભાર મૂક્યો હતો. રાજકોટ જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બર થી ૨૨ ઓક્ટોબર દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર વાઈઝ તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન અથવા વોર્ડ વાઇઝ સેવા સેતુનું આયોજન કરાશે. જેમાં જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૩૩ સેવા સેતુ તેમજ નગરપાલિકા કક્ષાએ ૪ સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોને કૃષિ અને સહકાર, આરોગ્ય, મહેસૂલ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, વીજ વગેરે ૧૩ વિભાગની ૫૫ સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહેશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાની, અધિક નિવાસી કલેકટર શ્રી ચેતન ગાંધી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



