Gondal: ૨૭ સપ્ટેમ્બરે ગોંડલ ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો

તા.૧૨/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૧૪મી શૃંખલાના ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ
Rajkot, Gondal: આગામી તા.૨૭ સપ્ટેમ્બરના રોજ રાજકોટ જિલ્લામાં ગોંડલ એપીએમસી ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે. જેના આયોજન અંગે કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અલગ-અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાના લાભાર્થીઓની અરજીની ડેટા એન્ટ્રી, જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંગે સ્થળ, તેમજ સંલગ્ન વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે કલેકટર શ્રીએ “એક પેડ મા કે નામ” અભિયાનમાં જોડાવા તેમજ તમામ વિભાગોને જન-જન સુધી પર્યાવરણ જતનના સંદેશાને પહોંચાડી લોકોને આ અભિયાનમાં જોડવા માટે અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૯થી ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે સમગ્ર રાજ્યમાં ૧૪મી શ્રેણીના ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે.જેમાં અલગ અલગ પ્રકારની વિવિધ સરકારી યોજનાઓ જેવી કે માનવ કલ્યાણ યોજના, કુંવરબાઈનું મામેરુ, આવાસ યોજના, ઉજજ્વલા યોજના, દિવ્યાંગોને લગતી યોજનાઓ, ખેતીવાડી, પશુપાલન તેમજ વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાય તેમજ કીટ વિતરણ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણે, નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર શ્રી મહેશ જાની, અધિક નિવાસી કલેકટર શ્રી ચેતન ગાંધી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ.કે.વસ્તાણી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




