Rajkot: રાજકોટ જિલ્લામાં ૨ ઓકટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” પખવાડિયાની ઉજવણી કરાશે

તા.૧૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ધાર્મિક તથા આઇકોનિક સ્થળોની સફાઈ, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, એવોર્ડ અને સન્માન સમારોહ સહિત કાર્યક્રમો હાથ ધરાશે
ચાલો સાથે મળીને રાજકોટ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવીએ
Rajkot: મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યા છો. વધુને વધુ લોકો આ અભિયાનમાં જોડાય, તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ તા.૨ ઓકટોબર ઉજવણી નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ જન ભાગીદારી વ્યાપક બનાવવા વિવિધ થીમ આધારિત કાર્યક્રમો થકી સ્વચ્છતાને પ્રોત્સાહન આપવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. ત્યારે દરેક નાગરિકોએ પણ અભિયાનમાં જોડાઈને રાજકોટ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવા જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપવા અપીલ કરાઈ છે.
જિલ્લામાં ૨ ઓકટોબર સુધી “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સામુહિક સ્તરની સ્વચ્છતા ઝુંબેશમાં ધાર્મિક તથા આઈકોનિક સ્થળોની સ્વચ્છતા, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, કચરા કલા પ્રતિયોગિતા, નદી તળાવની સફાઈ, સફાઈ મિત્ર, આરોગ્ય શિબિર, શેરી નાટક, એવોર્ડ અને સન્માન સમારોહ સહિત કાર્યક્રમો દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતી બીજી ઓક્ટોબર સુધી સમગ્ર રાજકોટ જિલ્લામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરીને સમગ્ર રાજકોટ જિલ્લાને સ્વચ્છ કરાશે જેમાં કર્મચારીઓ સાથે નાગરિકો પણ જોડાશે.


