NANDODNARMADA

નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ અગત્યના મુદ્દે ધારદાર રજૂઆતો કરી

નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ અગત્યના મુદ્દે ધારદાર રજૂઆતો કરી

 

જિલ્લા સંકલન સમિતિમાં માર્ગ મકાન વિભાગના રોડ રસ્તા, મકાન, બ્રિજ, આધાર કાર્ડ અપડેશન, આરોગ્ય વિભાગ, શિક્ષણ, નેશનલ હાઇવે દ્વારા રસ્તાનું પેચવર્ક સમારકામ, કરાર આધારિત એજન્સી મારફત વિવિધ જગ્યાની ભરતી, જંગલની જમીનની સનદો, કુસમ યોજના, કરજણ અસરગ્રસ્તોને વળતર, આઇ.સી.યુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ, હરસિધ્ધિ માતાના મંદિરના પાર્કિંગ, નરસિંહ ટેકરીના રહિશોના પ્રશ્ન, જાતિના દાખલા, સીટીસ્કેન મશીન, એક્સરે, સોનોગ્રાફી ટેકનિશિયન, દૂધાળાઓ પશુ આપવાની યોજના, સસ્તા અનાજનું રાશન વિતરણ, લીડ બેંક દ્વારા લોન આપવાની બાબતો અંગે બેઠકમાં ચર્ચા કરાઇ

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

રાજ્યમાં દર મહિનાના ત્રિજા શનિવારે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાય છે. માહે સપ્ટેમ્બર માસની બેઠક જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લાના સંકલન અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી સભાખંડમાં મળી હતી. જેમાં ભરૂચ-નર્મદાના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, ડેડિયાપાડા-સાગબારાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહીને મતવિસ્તારના લોકો દ્વારા કરેલી રજૂઆતો અને તેઓ દ્વારા મતવિસ્તારની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરીને સંકલનના અધિકારીઓ પાસેથી થયેલ કામગીરી અને કરવાની થતી કામગીરી અંગેની વિગતો મેળવી હતી પ્રજાના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મહિનાની ૧૦ મી તારીખ સુધીમાં લેખિતમાં રજૂઆતો મોકલી આપવા જણાવ્યું હતું અને અમલીકરણ અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રશ્નોની સંતોષકારક રીતે જવાબો તેમને મોકલી આપવા જણાવ્યું હતું અને પ્રજાને પડતી મુશ્કેલીઓનો ત્વરિત નિકાલ કરવા ખાસ સૂચના આપી હતી અને આ સંદર્ભે દરખાસ્ત કે, આયોજન કરીને કલેક્ટર કચેરીને મોકલી આપવા જણાવ્યું હતું.

 

આ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવાએ આધારકાર્ડ અને રાશન કાર્ડ અપડેશનની કામગીરી માટે જરૂરી કિટ અને કેન્દ્રો પર સમયસર કામગીરી થાય તે જોવા ઉપર ભાર મૂકયો હતો અને મિડીયાના માધ્યમથી આવતા સમાચારો અને લોકોની સમસ્યા ઉપર ત્વરિત કામગીરી તંત્ર દ્વારા થાય તેવી અપેક્ષા રાખવામાં આવી હતી અને ડેડિયાપાડા-સાગબારામાં દેવમોગરા ખાતે દારૂની હેરાફેરી ઉપર કડક કાર્યવાહી ભારત સરકારની કુસુમ સૂર્યોદય યોજનાનો ખેડૂતોને લાભ મળે આઉટસોર્સના કર્મચારીઓની તાત્કાલિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરાય, સોનોગ્રાફી, એક્સરે, સીટી સ્કેન મશીન ચલાવી શકે તેવા હોશિયાર કર્મચારી અને નિષ્ણાંત ડૉક્ટરોની ભરતી થાય અને રોડ રસ્તાનું પેચવર્ક રીપેરીંગ તેમજ નવા રસ્તાઓ જુનારાજને જંગલ વિભાગ તરફથી મંજૂરી મળે અને કામ ઝડપી થાય તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા પ્રવાસીઓની સગવડમાં એક વધારો થાય. મોવી ચોકડી નેત્રંગ અને જિલ્લાના રસ્તાઓનું યોગ્ય સમારકામ જેવી બાબતો પર ખાસ ભાર મૂકયો હતો અને નબળું કામ કરતી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરી ટકાઉ અને સારૂ કામ કરે તેવી એજન્સીને કામ અપાય તે જોવાનું કામ અધિકારીઓ કરવું જોઇએ તેમ જણાવ્યું હતું અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીએ પણ લોકોની સમસ્યા ઝડપી ઉકેલાય તેવી રજૂઆત કરી હતી.

 

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે પણ રોડ રસ્તા તેમજ કરજણ અસરગ્રસ્તોના વળતર સહાય, આરોગ્ય કર્મીઓની ભરતી, એમ્બ્યુલન્સની સુવિધા, શિક્ષણ સુધારણા તેમજ ઓરડા જર્જરીત તે નવા બને, હરસિધ્ધિ માતા મંદિરના પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવી તેમજ નરસિંહ ટેકરી ખાતે રહેતા લોકોના પ્રોપર્ટીકાર્ડ અને વોર્ડ નં.૩ માં રહેતા લોકોને સુવિધા આપવા જેવી બાબતો ચર્ચા કરી હતી અને શાળામાંજ વિદ્યાર્થીઓને જાતિના દાખલા મળે તેવી વ્યવસ્થા વિકસાવવા જણાવ્યું હતું. તેમજ જંગલ વિસ્તારમાં રહેતા લોકોને સનદો મળે તેવી રજૂઆત કરી હતી તેમજ સિવિલ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત મૂકાય તેવી પણ રજૂઆત કરી હતી.

 

ડેડિયાપાડા-સાગબારાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ આદર્શ નિવાસી શાળાના છાત્રાલય બિલ્ડીંગ ધરાશાય થયું તેમા યોગ્ય તપાસ અને બિલ્ડીંગ વહેલી તકે બને તેવી રજૂઆત કરી હતી અને મકાન બાંધકામ એજન્સી પર યોગ્ય કાર્યવાહી કરવા પણ માંગ કરી હતી. તેમજ મામલતદાર કચેરીમાં આધારકાર્ડ કઢાવવા આવતા લોકોને તકલીફ ન પડે તે માટે વધારાની કિટ ફાળવણી કરી આપવા રજૂઆત કરી હતી અને આર.ટી.ઓ દ્વારા સાગબારા ડેડિયાપાડામાં વાહનોને ડિટેન કરીને એક-બે દિવસ મૂકી રાખવામાં આવે છે તેની જગ્યાએ તેમને સ્થળ પર દંડ લઇને લોકોને હેરાનગતિ ઓછી થાય તે જોવા રજૂઆત કરી હતી અને તાલુકા પંચાયત કચેરી ખાતે ટી.ડી.ઓના ડ્રાઇવરને છૂટો કરવા તેમજ કચેરીના વાહનમાં ખર્ચો પાડવા તેમજ તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ ફર્નિચર તા.પં. પ્રમુખશ્રી દ્વારા સરકારી મકાનમાં વસાવ્યું છે અને લોકોને આ વસ્તું કચેરીમાં પુરી પાડવા દબાણ કરે છે તેવી રજૂઆત કરી હતી અને કર્મચારીઓને સંગઠનની કામગીરી ન સોપવા અંગે રજૂઆત કરી હતી. પ્રાયોજના વહીવટદાર અને આદિજાતિ વિભાગ દ્વારા દૂધાળા પશુઓની યોજનાના લાભ આપવા તેમજ સહકારી મંડળીઓ દ્વારા લોન અને દૂધ ભરાય તેવી વ્યવસ્થા ઉપર ભાર મૂકયો હતો અને લોકોને આગામી તહેવારોમાં રાશન મળે તેવી પણ રજૂઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!