ભરૂચમાં ગ્રામસભામાં થયેલાં હોબાળા બાદ બાયપાસ પર ખાડાઓ પૂરવાનું શરૂ
સમીર પટેલ, ભરૂચ
બિસમાર રસ્તાના મામલે સોસાયટીના રહીશોએ ધારાસભ્યને ઘેર્યા હતાં
ભરૂચની મીરામ્બિકા સોસાયટીમાં બે દિવસ પહેલાં મળેલી ગ્રામસભામાં બિસમાર રસ્તા તથા ટ્રાફિકની સમસ્યાને લઇ સ્થાનિકોએ ધારાસભ્યનો ઉઘડો લીધો હતો. સ્થાનિકોએ કહયું હતું કે, વિકાસની વાતો પછી કરજો પહેલાં અમને સારા રસ્તાની સુવિધાઓ આપો. એબીસી સર્કલથી શેરપુરા ગામ સુધી એલીવેટેડ કોરીડોર બની રહયો હોવાથી બાયપાસ પર સવારે અને સાંજે 5 કિમીનો ટ્રાફિકજામ થઇ જાય છે. સવારે 5 વાગ્યાથી કંપનીની બસોની અવરજવર શરૂ થઇ જતાં હોર્નના ઘોંઘાટથી લોકો પરેશાન થઇ ગયાં છે. બ્રિજની કામગીરી શરૂ થતાંની સાથે જ વિકટ બનેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તંત્રએ આપેલી ખાતરીઓનું પાલન નહિ થતાં સ્થાનિકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. ગ્રામ સભામાં હોબાળા બાદ શુક્રવારથી બાયપાસ રોડ પર ખાડાઓ પુરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.