વિશ્વ ગુરુ બનવાની વાતો સામે કેનેડામાં એક વેઈટરની નોકરી માટે હજારો ભારતીયોની લાઈન લાગી

ભારતીયો સારી નોકરી કે કામ માટે વિદેશ જતાં હોય છે પરંતુ તેમને ખબર નથી કે ત્યાં પણ હાલત ભારત કરતાં વધુ ખરાબ છે. તાજેતરમાં કેનેડાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક નાની અમથી વેઈટરની નોકરી માટે 3000થી વધુ ભારતીય યુવાનો પહોંચતાં ચરમસીમાએ પહોંચેલી બેરોજગારીનો પુરાવો મળ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોથી કેનેડામાં હાજર ભારતીયોને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. આ વીડિયોમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ એક રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી માટે લાઈનમાં ઉભા જોવા મળે છે. કેનેડાના બ્રેમ્પટનમાં તંદૂરી ફ્લેમ રેસ્ટોરન્ટની બહાર ભારતના વિદ્યાર્થીઓની લાંબી કતાર જોવા મળે છે. વીડિયોમાં પંજાબી ભાષામાં બોલતા વ્યક્તિના કહેવા પ્રમાણે, વેઈટરની પોસ્ટ માટે આ નોકરી મેળવવા માટે 3 હજારથી વધુ યુવાનો અહીં પહોંચ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, તેણે કેનેડામાં કામ કરવા અથવા અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ તકો વિશે ચર્ચા જગાવી છે. જો કે, ઘણા લોકોએ આ વીડિયો અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો અને કહ્યું કે વિદેશમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સાથે પાર્ટ ટાઈમ જોબ કરવી સામાન્ય બાબત છે. આમાં કશું ખોટું નથી. આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે કેનેડાનું આ દ્રશ્ય ખૂબ જ ડરામણું છે. ટ્રુડોના કેનેડાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ત્યાં મોટા પાયે બેરોજગારી છે. સુવર્ણ ભારતના સ્વપ્ન સાથે કેનેડા જતા વિદ્યાર્થીઓએ તેમના નિર્ણય અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.



