MEHSANAMEHSANA CITY / TALUKO

કલેક્ટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંગે સૂચનાઓ આપવામાં આવી.

વિકાસ સપ્તાહ ની ઉજવણી અંગે સૂચનો

વાત્સલ્યમ સમાચાર, બળવતસિંહ ઠાકોર,મહેસાણા

મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વિકાસ યાત્રાની ગાથા લોકો સુધી પહોંચાડાશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે પ્રથમ વખત શપથ લીધા હતા. ત્યારે ૨૦૦૧ થી ૨૦૨૪ સુધીની તેમની ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચે અને વિકાસલક્ષી પધ્ધતિથી લોકો જાગૃત થાય તે માટે તા.૭ થી ૧૫ ઓક્ટોબર સુધી રાજ્ય સરકાર દ્વારા “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી એમ નાગરાજનના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેક્ટર  એમ નાગરાજને વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન થીમ આધારિત દિવસો, વિકાસ પદયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સફળતાની ગાથા, યુવા વર્ગની સહભાગીતા, કલા સ્થાપત્ય, વિકાસ રથ, મહત્વના સ્થળોનું સુશોભન, ભીંત ચિત્રો માટે સ્પર્ધા, શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓ- પ્રવચનો વગેરે બાબતો અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં તેમણે જનહિતના લોકાર્પણ અને ખાતમુહૂર્તના વિકાસ કાર્યો અંગે પણ સમીક્ષા કરી હતી.

વિવિધ પ્રવૃત્તિઓમાં વહીવટી તંત્ર સાથે નાગરિકો પણ સહભાગી બને અને ઉજવણીને સાર્થક બનાવે તે માટેનો પ્રયાસો કરવા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ જરૂરી સૂચનો કર્યા હતા. દરેક કચેરીના કર્મયોગીઓ પણ આ વિકાસ સપ્તાહમાં સક્રિયરીતે સહભાગી બને તેવી ખાસ અપીલ પણ કરી હતી.

નિવાસી અધિક કલેકટરશ્રી એસ.સી. સાવલીયાએ વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની સમગ્ર રૂપરેખા આપી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.હસરત જૈસમીન, પ્રાંત અધિકારીશ્રીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિરેન પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!