વિશ્વના દેશોમાં ફફડાટ ઇરાને પરમાણુ બોમ્બ બનાવ્યો હોવાની વાતો,

5 ઓક્ટોબરે સવારે 10:45 કલાકે ઈરાનના સેમનાન પ્રાંતમાં રિક્ટર સ્કેલ પર 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. એ ભૂકંપ બાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે એ ખરેખર ભૂકંપ જ હતો કે પછી ઈરાને પરમાણુ પરીક્ષણ કર્યું છે? આમ તો ઈરાન એવો દેશ છે જ્યાં ભૂકંપ આવવો આશ્ચર્યની વાત નથી, પરંતુ સેમનાનના ભૂકંપને લોકો પરમાણુ પરીક્ષણ માની રહ્યા છે. સાથે એવા પ્રશ્નો પણ પુછાઈ રહ્યા છે કે, ઈરાન પાસે પરમાણુ હથિયાર બનાવવાની ટેક્નોલોજી છે ખરી? અને છે તો કયા દેશે એને એ ટેક્નોલોજી આપી?
સામાન્ય રીતે કુદરતી ભૂકંપ આવ્યા પછી ઘણા આફ્ટર શોક્સ આવતા હોય છે. ભલે તેમની તીવ્રતા ઓછી હોય. આ કેસમાં આફ્ટર શોક્સ નોંધાયા નથી, જેથી એના કુદરતી હોવા વિશે શંકા જાગી છે.
ઈરાને તેના ‘નતંઝ યુરેનિયમ સંવર્ધન સ્થળ’ (Natanz Enrichment Complex)ની કિલ્લેબંધી મજબૂત કરી દીધી છે. એનો ઘણોબધો કારભાર ભૂગર્ભમાં ખસેડી દેવાયો છે, જેથી દુશ્મન દેશના હુમલામાં એને નુકશાન ન થાય. જોકે, ઈરાનની આ પ્રવૃત્તિ ઉપગ્રહોની આંખોએ પકડી પાડી છે. ઈરાનના આ પગલાંને પણ એના પરમાણુ પરીક્ષણ સાથે જોડવામાં આવી રહ્યું છે.
સેમનાનમાં પરમાણુ પરીક્ષણ કરાયું હોવા બાબતે ઈરાને હજુ સુધી કોઈ નિવેદન જારી કર્યું નથી. એ હા તો ન જ કહે, એ સમજાય એવી વાત છે, પણ એણે ના પણ નથી પાડી, એને લીધે સંદેહ જાગે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કોઈ દેશે ન તો આ સમાચારનું ખંડન કર્યું છે, ન એની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર (યુનાઇટેડ નેશન્સ), અમેરિકા કે ઈઝરાયલ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા નથી આવી.
ઈઝરાયલ દ્વારા હિઝબુલ્લાના વડા હસન નસરલ્લાહ અને ઉગ્રવાદી સંગઠનના અન્ય કમાન્ડરોની હત્યા કરી દેવાઈ એના જવાબમાં 1 ઓક્ટોબરના રોજ ઈરાને ઈઝરાયલ પર લગભગ 200 મિસાઈલો છોડી હતી. ઈરાનના મિસાઈલ હુમલા બાદ એવી અટકળો ચાલી રહી છે કે ઈઝરાયલ ગમે ત્યારે ઈરાનના પરમાણુ કેન્દ્રો પર હુમલો કરી શકે છે, કારણ કે આ બાબતે ઈઝરાયલ લાંબા સમયથી ધમકી આપતું આવ્યું છે. તો શું આ જ કારણે ઈરાન વહેલી તકે પરમાણુ હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યું છે?
વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ઈરાન પાસે હથિયાર બનાવવા માટે પૂરતું પરમાણુ ઈંધણ નથી; તેની પરમાણુ સંપત્તિ નબળી છે. માટે આ ભૂકંપ પરમાણુ પરીક્ષણને કારણે આવ્યો હોવાની શક્યતા પાંખી છે. અલબત્ત, જો કોઈ બીજા દેશે ઈરાનને મદદ કરી હોય તો આ શક્ય બને એમ ખરું.
ઈરાને જો ખરેખર પરમાણુ પરીક્ષણ કર્યું હોય તો લાખ રૂપિયાનો સવાલ એ થાય છે કે એને પરમાણુ ટેકનોલોજી મળી ક્યાંથી? કેમ કે, વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશો પાસે જ આ ટેક્નોલોજી છે. એમાંના કોઈ દેશે ઈરાનની મદદ કરી હોય તો જ એ પરમાણુ પરીક્ષણ કરી શકે. શંકાની સોય રશિયા તરફ તકાઈ રહી છે. યુક્રેન સામે યુદ્ધ લડી રહેલા રશિયાને ઈરાને બેલિસ્ટિક મિસાઈલો આપી છે, જેના બદલામાં રશિયાએ ઈરાનને પરમાણુ પરીક્ષણ માટેની ટેક્નોલોજી આપી છે.
મર્યાદિત માત્રામાં પરમાણુ પરીક્ષણ કરવું અને અમર્યાદિત સંહારક્ષમતા ધરાવતું પરમાણુ હથિયાર બનાવવું એ બંનેમાં બહુ ફરક છે. કોઈ દેશ સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરી લે તોય તાત્કાલિક પરમાણુ હથિયાર બનાવી શકતો નથી. એમાં લાંબો સમય લાગી જતો હોય છે, તેથી ઈરાન રાતોરાત પરમાણુ હથિયાર બનાવી લેશે, એવી ભીતિ રાખવી અસ્થાને છે.
ભૂતકાળમાં ઈરાન પર ગુપ્ત રીતે પરમાણુ હથિયાર બનાવતું હોવાનો આરોપ લાગ્યો હતો. એ સમયે અન્ય દેશોએ ઈરાન પર જાતભાતના પ્રતિબંધો લાદી દીધા હતા, જેને લીધે ઈરાનનો વિકાસ રૂંધાઈ ગયો હતો. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી રાહત મેળવવા માટે આખરે ઈરાને વર્ષ 2003માં એનો પરમાણુ કાર્યક્રમ અટકાવી દીધો હતો. એ સંધિ-કરાર વર્ષ 2018માં સમાપ્ત થઈ જતાં ઈરાને આ દિશામાં ફરી સળવળાટ કરવા માંડ્યો હતો. ત્યારથી ઈરાન તેના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમનું વિસ્તરણ કરી રહ્યું છે. દેશના બે સ્થળોએ એ યુરેનિયમને સમૃદ્ધ કરવામાં લાગેલું હોવાનું કહેવાય છે. તેના પરમાણુ પ્લાન્ટ ભૂગર્ભમાં છે. ઈઝરાયલના ભૂતપૂર્વ વડાપ્રધાન એહુદ બરાક પણ એકવાર કહી ચૂક્યા છે કે, ઈરાનની પરમાણુ સુવિધા પર હુમલો કરવો હવે કદાચ બહુ અસરકારક રહેશે નહીં, કારણ કે આ દિશામાં તેઓ ઘણા આગળ વધી ગયા છે, એમનો કાર્યક્રમ ખૂબ જ અદ્યતન છે.



