વાંસદામાં પોલીસ પરેડ દરમ્યાન પોલીસકર્મીઓ પાર્કિંગના બાબતે એક યુવાનને માર માર્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ – નવસારી
નવસારી જિલ્લાના વાંસદા નગરમાં પાર્કિંગ બાબતે પોલીસે એક યુવાનને પોલીસ સ્ટેશનમાં લાવી બેરહેમીથી માર મારતા લોહી લુહાન હાલતમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેને પ્રથમ વાંસદા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
સ્થળ પરથી મળતી માહિતી મુજબ મંગળવારના રોજ ધનરાજ વૈષ્ણવ પોતાની બીમાર માતાને ઉતારવા માટે પોતાના ઘર પાસે કાર ઊભી રાખી બીમાર માતાને ઉતારતો હતો તે દરમિયાન પોલીસકર્મીઓની વાંસદાના મુખ્યમાર્ગે પરેડ નીકળી રહી હતી. પોલીસકર્મી કનૈયા જમાદાર તેની પાસે આવી પરેડ ચાલી રહી છે, કાર કેમ રસ્તામાં મૂકી છે તેમ કહીને લાફો ઠોકી દેતા ઉગ્ર બોલા ચાલી થઈ હતી. તે દરમિયાન વાંસદાના પી. આઇ. ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ક્રૂરતાપૂર્વક યુવાનને ઘસેડીને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યાં હાજર પીએસઆઇ ચાવડા નવા આવેલા પીઆઈએ લાકડા વડે આ યુવાનને ઢોરમાર મારતા અન્ય પોલીસ કર્મીઓને પણ શૂરાતન ચડ્યું હતું અને તેઓએ પણ આ યુવાનને લાતો વડે ઢોરમાર માર્યો હતો.પીએસઆઈ ચાવડાએ તેના વાળ પકડી તેનો માથું દીવાલ સાથે અથડાવ્યું હતું. તેના કારણે તેના હોઠ ફાટી ગયા હતાં અને પેટ અને છાતીના ભાગે લાતો મારી હોવાથી યુવાનને છાતીમાં અસહ્ય દુ:ખાવો ઉપડતા તુરંત જ વાંસદાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને તુરંત નવસારીમાં લઈ જવા માટે ભલામણ કરતા મોડી રાત્રે આ યુવાનને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.તેવો ધનરાજ વૈષ્ણવે પોતાની સાથે થયેલો અત્યાચાર અંગેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં સેન્ડ કર્યો હતો હાલે પણ યુવાન નવસારી સારવાર લઈ રહ્યા છે.પરિવારજનો રાજ્યના ગૃહમંત્રી રેન્જ આઈજી સહિત નવસારી જિલ્લા એસપી ને લેખિત ફરિયાદ કરી છે. આ બનાવની જાણ વાંસદા સહિત આજુબાજુ વિસ્તારનાં ગામોમાં થતા ટોળેટોળા પોલીસ સ્ટેશન પર ઊમટી પડ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પણ પોલીસ સ્ટેશનમાં દોડી આવ્યા હતા અને પોલીસનો ઉધડો લીધો હતો. જોકે પરિસ્થિતિનો તાક પામી જઈ ચોરી પર સીના જોરીની માફક તુરંત જ આ યુવાનો સામે ૧૮૬ મુજબની ફરિયાદ દાખલ કરી હતી. હકીકતમાં તો પોતાના ઘરની સામે વાહન ઊભું રાખવું એ જો ગુનો હોય તો તેને મેમો આપવાની જરૂર હતી, પરંતુ પરેડ ના નામે ગામમાં લુખો ખોફ જમાવવા નીકળેલા આ ખાખી ધારી ગુંડાઓએ જાહેરમાં ગુંડાગીરી કરી પ્રજા ના રક્ષક જ જાહેરમાર્ગ પર ગુંડાગીરી કરતા ખાખી વર્દી બદનામ કરી હોવાની ચર્ચાઓ લોકટોળામાં જોરશોરથી ચાલી હતી.





