GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં યુવા મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ

 

 


મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘી ખાનગી કોલેજમાં સરકારી ક્વોટામાં અભ્યાસ મેળવતી દીકરીઓની લાખોની ફી સરકાર ભરે છે
જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હીરાભાઈ ટમારીયા

મોરબીમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યુવા મહિલા કલ્યાણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના છેલ્લા ૨૩ વર્ષની સુશાસનની સફરના ભાગરૂપે સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં મહિલાઓના કલ્યાણ અને વિકાસ માટે જિલ્લા પંચાયત ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ અને વિકાસ સપ્તાહની ઉજવણીના અનુસંધાને યુવા મહિલા કલ્યાણ દિવસ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ આંતરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. તેમણે શિક્ષણની સાથે મૂલ્ય શિક્ષણને પણ મહત્વ આપ્યું છે ત્યારે દીકરીઓ જીવનમાં આદર્શ મૂલ્યો સાથે કારકિર્દી બનાવે તે માટે ઉપસ્થિત દીકરીઓને પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે દેશના વિકાસમાં યોગદાન આપી મહિલાઓને સાથ સહકાર આપવા અપીલ કરી હતી.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હીરાભાઈ ટમારીયાએ જણાવ્યું હતું કે, આપણો દેશ સદીઓથી નારી પ્રધાન દેશ રહ્યો છે. અહીં નારીને શક્તિનું રૂપ ગણી તેમનું પૂજન કરવામાં આવે છે. ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાતીય સમાનતા માટે બેટી બચાવો બેટી પઢાવો સૂત્ર આપી દીકરીઓના વિકાસ માટે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે. વ્હાલી દીકરી યોજનાથી આજે સરકાર દીકરીઓના ભણતરથી લઈ લગ્નની ચિંતા પણ કરે છે. કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ થકી કોઈ પણ દીકરી અભ્યાસથી વંચિત ન રહી જાય તેની ચિંતા કરી, તો દીકરીઓને ક્યાંય દૂર ભણવા જવું પડે તો બસમાં મફત મુસાફરી પાસ પણ ઉપલબ્ધ કરાવ્યા. આજે મેડિકલ અભ્યાસ માટે અનેક સરકારી કોલેજો બનાવવામાં આવી છે તો ખાનગી કોલેજમાં સરકારી ક્વોટામાં અભ્યાસ મેળવતી દીકરીઓની લાખોની ફી પણ સરકાર ભરે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજ જીવનની ખૂબ ચિંતા કરી છે તેવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના ગુજરાતમાં થયેલા વિકાસની વાત કરતા તેમણે સાબરમતી નદીની જે કાયાપલટ થઈ અને આજે કેવી રીતે એ સ્થળ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું તે અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું. મહિલાને કુટુંબનો પાયો ગણાવી કેવી રીતે મહિલા બાળકનું ઘડતર કરી ભવિષ્યના આદર્શ નાગરિકનું નિર્માણ કરે છે તે અંગે વાત કરી હતી. વધુમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનની વાત કરી IAS અને IPS માં ગુજરાતની વધુ વધુ દીકરીઓ આગળ આવે તે માટે દીકરીઓને જાગૃત થવા પ્રેરણા આપી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજનાના હુકમ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત જલ્પાબેન ત્રિવેદીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ આઈસીડીએસના સીડીપીઓશ્રી મયુરીબેન ઉપાધ્યાયે કરી હતી. કાર્યક્રમના અંતે સર્વે ઉપસ્થિતોએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા મહિલા અને બાળ બાળ અધિકારીના સ્ટાફ દ્વારા જેહમત ઉઠવાવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કિશોરીઓ અને મહિલાઓ જોડાઈ હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!