ANANDGUJARATUMRETH

ઉમરેઠમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાજી નો ૨૬૭મો હવન શ્રદ્ધા અને આસ્થા સાથે થયો સંપન્ન

પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા

આસો નવરાત્રીની નોમની રાત્રે થતાં આ ૧૯ કવચના હવનના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે.પૌરાણિક નગરી અને બીજી કાશી એવા ઉમરેઠ ખાતે વારાહી માતાજીનો ૨૬૭મો ઐતિહાસિક હવન આસો સુદ નોમની રાત્રે દુરદૂરથી આવેલ ભક્તો વચ્ચે સંપન્ન થયો. શ્રી વારાહી માતાજીનો આ હવન ૧૯ કવચના ચંડીપાઠનાં હોમ સાથે પૂર્ણ રાત્રી ચાલતો ઐતિહાસિલક હવે વિશ્વ વિખ્યાત હવન છે. ભારતમાં આ પ્રકારનો હવન વારાણસી કાશી બાદ ઉમરેઠમાં યોજાય છે. આ વર્ષે આ હવનના યજમાન તરીકે પ્રવિણભાઈ જી. શેલત અને તેમનું સમગ્ર પરિવાર દ્વારા હવનની પૂજાવિધિનો લાભ લેવાયો. હવાનના આશીર્વાદ રૂપે અને માં શક્તિની સુરક્ષા કવચ રૂપી ૧૯ ગાંઠોવાળો દોરો પહેરી ભક્તો માતાજી પ્રત્યે અતૂટ શ્રધ્ધા દર્શાવે છે. આ હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કિગ્રા પાયસ, ૧૦૦ કિગ્રા તલ, 50 કિગ્રા ધી, ૧૦૦૦ નંગ નાળિયેર તથા અન્ય ખૂબ જ મોટી માત્રામાં પૂજાપાનો ઉપયોગ કરવામાં આવે છે
શ્રી વારાહી માતાજીના હવનનું ઐતિહાસિક મહત્વ મુજબ વિક્રમ સંવત ૧૮૧૦ ઈ.સ. ૧૭૫૪ માં શ્રી વારાહી – અંબા માતાની મૂર્તિ ભોલવા કુવા માંથી પ્રગટ થઇ અને આ માતાજીની મૂર્તિને હાલમાં મંદિર છે ત્યાં એટલે કે વારાહી ચકલામાં પધરાવવામાં આવેલ. માતાજીની મૂર્તિ સાથે એક વ્હેતિપો માણસ ગાય દોહતો જોવા મળેલ જેને બહાર કાઢવામાં આવતા જ તે મૃત્યુ પામ્યો હતો. જેને કુવાની પાસે દાટવામાં આવેલ જે સ્થાને આજે તુલસીક્યારો બનાવેલ છે. વિક્રમ સંવત ૧૮૨૦ ઈ.સ. ૧૭૬૪ ના મહાસુદ-૯ ના દિવસે ગામના બાજખેડાવાળ બ્રાહ્મણો એકઠા મળી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધી કરવામાં આવી. હાલમાં આવેલ શ્રી વારાહી માતાજીનું મંદિર જે જગ્યાએ છે તે સ્થળે એક વિશાળ પીપળાનું વૃક્ષ હતું અને બાદમાં તે સ્થળે પંચોએ મળીને માતાજીનું દહેરૂ બંધાવ્યું.
આજથી ૨૬૭વર્ષ પૂર્વેથી જ શ્રી વારાહી માતાજીને આનંદ ચૌદસ (ભાદરવા સુદ-૧૪) ના રોજ સિદૂર વિધિ એટલે કે શ્રી વારાહી માતાજીને સિંદૂર ચઢાવવામાં આવે છે જે પરંપરા આજે પણ આવીરત સ્વરૂપે ચાલુ છે. આમાં હવન પૂર્વ શ્રી માતાજીને સિંદુર ચઢાવવામાં આવે છે જે સિંદૂર વિધી હવનના યજમાન દ્વારા તથા ચકલાના રહીશો તથા આચાર્યની હાજરીમાં સિંદૂર વિધિ કરવામાં આવે છે. જગદંબા શ્રી વારાહી માતાજીનું પ્રાગટ્ય પ્રતિષ્ઠા વિધિ વિક્રમ સંવત ૧૮૨૦ ઈ.સ ૧૭૬૪માં થઈ તે વર્ષથી આસો સુદ-9 નો પ્રતિ વાર્ષિક હવન શરૂ કરવામાં આવ્યો.
શ્રી વારાહી માતાજીનો હવન કરાવનાર બ્રાહ્મણો ખૂબ જ વિદ્વાન અને કર્મકાંડી હોય છે જેઓ સુદર રાગથી શાંત ચિત્તે પરંપરાગત પંચમસૂરમાં સંસ્કૃત શ્લોકોનું પઠન કરે છે. આસો સુદ-૯ ના રોજ સવારમાં શ્રી વારાહી માતાજીના મંદિરે હવન પૂર્વની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ તે દિવસે સાંજે ૦૭:૦૦ કલાકે હવનવાળી જગ્યા ઉપર પરંપરાગત પૂજાવિધિ કરવામાં આવે છે ત્યારબાદ રાત્રીના ૧૦:૦૦ કલાકે પૂન: શ્રી વારાહી માતાજીના મંદિરે પૂજાવિધિ કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રીના ૧૧:૦૦ કલાકે હવન હોમ ચાલુ કરવામાં આવે છે. આ હવનની પૂર્ણાહૂતિ દશેરાના દિવસે સવારે ૦૬:૦૦ કલાકે કરવામાં આવે છે. એટલે કે રાત્રી દરમ્યાન ચાલતા આ વિશિષ્ટ હવનને આજેપણ પરંપરાગત વિધિવિધાન દ્વારા કરવામાં આવી રહ્યો છે. શ્રી વારાહી માતાજીના હવનમાં પ્રારંભથી અંત સુધી ૦૮ વેદ પૂરૂષ બ્રાહ્મણો તલની આહુતિ આપે છે. તેમજ ૨ વેદ પૂરૂષ બ્રાહ્મણો પાયસ (દૂધમાં ચઢાવેલ ભાત) ની આહુતિ આપે છે. તેમજ ૧ વેદપુરૂષ બ્રાહ્મણ ઘી ની આહુતિ આપે છે. એમ મળી કૂલ ૧૧ વેદ પુરૂષ બ્રાહ્મણો દોરાને ઘારણ કરવાથી બિમારી તથા અન્ય કષ્ટો માંથી છૂટકારો મળે છે. પ્રારંભથી શરૂ થયેલ આ પરંપરા આજે પણ અવિરત પણે શ્રદ્ધા પૂર્વક ભક્તો દ્વારા જાળવી રાખવામાં આવેલ છે. હવનની પૂર્ણાહૂતિ થયા બાદ હવનની ફરતે ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે એટલે કે ભક્તો “જય અંબે” ન નારા સાથે હવનની પરિક્રમા કરી પોતે બનાવેલ કાળા દોરાને ધૂપ કરી દર્શન કરે છે.

હાલમાં શ્રી વારાહી માતાજીનો હવન કરાવવા માટે ખૂબ જ લાંબી પ્રતિક્ષા યાદી છે એટલે કે ભક્તો આ હવન નક્કી કરેલ ભેટ લખાવી હવનના યજમાન તરીકે નામ નોંધાવે છે. આ હવનમાં અંદાજીત ૪૦ વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી હાલમાં છે. છેલ્લા ૧૦ વર્ષ કે તેથી વધારે સમયથી વારાહી માતાજી ના હવનની તમામ તૈયારીઓ શ્રી વારાહી માતા ટ્રસ્ટ, ઉમરેઠ ધ્વારા કરવામાં આવે છે.

લોકવાયકા મુજબ હવનની રાત્રી દરમિયાન તેમજ વિષેસ કરીને બ્રહ્મ હુર્ત સમયે એટલે કે ૩ થી ૪ ના સમય માં હવનની અગ્નિમાં મા વારાહી-અંબા સાક્ષાત હાજરાહજુર બીરાજમાન હોય છે અને ભક્તોને દર્શન આપે છે. વારાહી માતાજીના મંદિરે પણ શ્રી વારાહી માતા સાક્ષાત બિરાજમાન છે અને કેટલાય ભક્તોને માં એ સાક્ષાત દર્શન આપ્યા છે અને તેમના પરચા કાયમ છે.

Back to top button
error: Content is protected !!