ભરૂચ જિલ્લા પોલીસે મકાન ભાડુઆતના જાહેરનામાં ભંગના 101 કેસો શોધી કાઢ્યા
તહેવારોને પગલે પોલીસની સ્પેશિયલ ઝુંબેશ


સમીર પટેલ, ભરૂચ
આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખીને ભરૂચ પોલીસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં પોલીસે મકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-101 કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આગામી દિવસોમાં આવી રગેલા દિવાળીના તહેવાર અનુસંધાને જિલ્લામાં કોઇ ગંભીર પ્રકારના બનાવો ન બને જે તકેદારીના ભાગરૂપે અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ (Special Drive) નું આયોજન કરાયુ છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા એપસી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસઓજી પોલીસે અલગ અલગ ટીમો બનાવી પોલીસ મથક વિસ્તારોમાં મકાન ભાડુઆત ચેકીંગ કામગીરી હાથ ધરી મકાન માલીકો એ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામાના 101 ગુનાઓ નોંધ્યા હતાં.
જેમાં સૌથી વધુ દહેજ પોલીસ મથક વિસ્તારમાં 12 કેસો નોંધાયા હતા. જ્યારે બીજાની વાત કરવામાં આવે તો ભરૂચ એ ડીવીઝનમાં 05, ભરૂચ બી ડીવીઝનમાં 06,વાગરા 10,અંકલેશ્વર એ ડીવીઝન 06, અંકલેશ્વર બી ડીવીઝન 09, અંકલેશ્વર રૂરલ 07, પાનોલી GIDC 10, અંકલેશ્વર GIDC 11, ઝઘડિયા 03, ઝઘડિયા GIDC 05, રાજપારડી 03, ઉમલ્લા 02 ,વાલીયા 01,નેત્રંગ 01 અને SOG પોલીસના 10 ગુનાઓ નોધ્યા હતા.તહેવારોના સમયમાં પોલીસ દ્વારા કરાઈ રહેલા આકસ્મિક તપાસમાં ગુનેગાર સહિતના લોકોમાં ફફડાટ ફેલાય ગયો છે.




