Rajkot: શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં બાળકોમાં નૈતિક મૂલ્યો વિકસાવવા માટેના “પ્રોજેક્ટ રામહાટ”નો શુભારંભ

તા.૧૬/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, રાજકોટ સંચાલિત શ્રી મુંજકા-૨ પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકો અને બહેનો માટે કામ કરતી સંસ્થા ઓજસ્વિની ફાઉન્ડેશનના સહયોગથી બીજો “રામહાટ પ્રોજેક્ટ” શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં વિવિધ સ્ટેશનરીની વસ્તુઓનું નજીવા દરે વેચાણ કરાશે. સ્ટેશનરીની વસ્તુ ટેબલ પર હશે ત્યાં દરેક વસ્તુના ભાવ પણ લખેલા હશે પરંતુ કોઈ દુકાનદાર નહીં હોય. વિદ્યાર્થીઓ પોતાની જાતે જ ત્યાં રૂપિયા મૂકી વસ્તુ લઈ શકશે. અહીં વસ્તુ તદ્દન નજીવા દરે મળી રહેશે. સરકારી શાળામાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. શાળાના આચાર્યશ્રી મુઝમ્મીલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,આ પ્રોજેક્ટથી શાળાના બાળકોમાં પ્રામાણિકતા, વફાદારી તેમજ વ્યાવહારિક ગુણોનો વિકાસ થયો છે. શાળાના બાળકો દ્વારા જ આ રામહાટ દુકાનનો બધો જ હિસાબ કિતાબ રાખવામાં આવે છે. જેથી બાળકોને વ્યાવસાયિક અનુભવ થશે તેમજ ગાણિતિક સમજ પણ સરળતાથી વિકસી શકશે. આ પ્રોજેક્ટથી બાળકોમાં વ્યાપાર કૌશલ્યનો વિકાસ પણ જોવા મળી રહ્યો છે. ઓજસ્વિની ફાઉન્ડેશન દ્વારા તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક સ્ટેશનરી પણ આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાના નવરાત્રી કાર્યક્રમ અંતર્ગત બધા બાળકોને ઓજસ્વિની ફાઉન્ડેશન તરફથી લંચબોક્ષ અને નવરાત્રિ નિમિતે બાળાઓને ગળામાં પહેરવાનો સેટ આપીને તથા શાળાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.



