
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
રાજ્યમાં નકલી નકલી કૌભાંડ વચ્ચે ડાંગ જિલ્લામાં નકલી લિવિંગ સર્ટીનાં આધારે જાતિનો દાખલો મેળવી જંગલ જમીનનો અધિકાર મેળવ્યાનો સનસનીખેજ ખુલાસો થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રનાં બોરગાવ તા.સુરગાણા જિલ્લા નાસિક ખાતે જન્મેલા અને બોરગાવ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીમાં અભ્યાસ કરેલ ભીમાબેન રામજીભાઈ ઠાકરેએ આહવા તાલુકાનાં બરમ્યાવડ ગામ ખાતે રહેઠાણ બતાવી નડગખાદી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોવાનું બોગસ સ્કૂલ લિવિંગ સર્ટી બનાવી તા 19/6/2008 ના રોજ આદિજાતિ વિભાગમાંથી જાતિનો દાખલો મેળવ્યો હતો.આ સમગ્ર મામલે આહવા તાલુકાનાં ધૂળચોંડ ગામે વર્ષોથી જંગલ જમીન ખેડતા આદિવાસી ખેડૂત મહેશભાઈ સીતારામભાઈ ગાવિતની જમીનમાં ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજનાં આધારે જંગલ જમીનના દાવેદાર બનતા ખેડૂતે બોગસ દાવેદારી કરનાર ભીમાબેન રામજીભાઈ ઠાકરેનાં અસ્સલ સ્કૂલ લિવિંગ સર્ટી સહીત તેમણે ઉભા કરેલા બોગસ દસ્તાવેજો ની ખરાઈ કરવા બરમ્યાવડ કે નડગખાદી પ્રાથમિક શાળાના આચાર્યો પાસે ભીમાબેન રામજીભાઈ ઠાકરે એ અભ્યાસ કર્યો છે કે કેમ તેની ખરાઈ કરતા ભીમાબેન રામજીભાઈ ઠાકરેની બોગસ દસ્તાવેજોનો પર્દાફાશ થયો હતો.ધૂળચોંડનાં આદિવાસી અરજદાર મહેશભાઈ સીતારામભાઈ ગાવીતે સંબધિત ટ્રાયબલ સબ પ્લાન, વન વિભાગ ,સહીત આદિજાતિ વિભાગમાં બોગસ પ્રમાણપત્રના આધારે જંગલ જમીનનાં માલિક બનનાર રાજ્ય બહારનાં વ્યક્તિની સઘળી હકીકત જણાવતા તંત્ર પણ અવાક બન્યુ હતુ. ત્યારે ડાંગ જેવા 100 ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય અહીં જાતિનાં દાખલા કઢાવવા આદિવાસીઓને અનેક પુરાવા આપવા પડતા હોય છે.ત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં જન્મેલા અને અભ્યાસ કરેલ વ્યક્તિને ડાંગ જિલ્લાનું લિવિંગ સર્ટી પણ સહેલાઇથી ઉપલબ્ધ કરાવી આપનાર ટોળકી સક્રિય હોવાની શક્યતા નકારી શકાતી નથી.જોકે આ બોગસ સર્ટિફિકેટ બાબતે આદિજાતિ વિભાગનાં ક્લાર્ક સુરેશભાઈ ચૌધરી ને પૂછતા આ બોગસ જાતિનો દાખલો જેતે સમયે બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનાં આધારે આપવામાં આવ્યો હતો. હાલ આ બાબતે ફરિયાદ મળતા તપાસ કરાવી હતી,જેમાં સ્કૂલનો દાખલો ખોટો હોવાનો અને એના આધારે જાતિનો દાખલો મેળવ્યાનું જાણવા મળ્યું છે , કચેરી દ્વારા બોગસ જાતિનો દાખલો મેળવનાર અરજદાર સામે વિજીલન્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી છે.અત્રે નોંધનીય છેકે થોડા મહિના પૂર્વે ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બારીપાડા ખાતે ટેન્ટ હાઉસનાં સંચાલકોનું નકલી જમીન એન.એ.કૌભાંડ બહાર આવતા પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.તેવામાં ફરી વખત બોગસ એલસી બનાવી આ એલ.સીનાં આધારે બોગસ જાતિનું પ્રમાણપત્ર કઢાવી જંગલ જમીન અધિકાર મેળવ્યાનું કૌભાંડ બહાર આવ્યાનું માલુમ પડતા તપાસનો વિષય બનવા પામ્યો છે..





