Upleta; ઉપલેટા નગરપાલિકામાં ‘સ્વચ્છતા હી સેવા’ હેઠળ ‘સ્વચ્છતાના સંસ્કાર’ કેળવવા અભિયાન

તા.૧૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
સ્વચ્છતા રેલીમાં વિવિધ મહાનુભાવો જોડાયાઃ ફૂડ સ્ટ્રીટમાં કચરાના વર્ગીકરણની સમજ અપાઈ
Rajkot, Upleta: રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં ભારત સરકારના ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતાના સંસ્કાર કેળવવા’ વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ના સૂત્ર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા ચીફ ઓફિસર, વોર્ડ કાઉન્સિલર, પાલિકાનો સ્ટાફ, પૂર્વ પ્રમુખ વગેરે શહેરના ગણમાન્ય લોકો જોડાયા હતા.
નગરની મદીના સોસયાટી સહિતના વિસ્તારમાં કચરાના જોખમી ઢગ દૂર કરીને વિસ્તારને સુંદર બનાવાયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ સુખદ અનુભવ કરી રહ્યા છે.
આગામી ૩૧મી ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત પાલિકા દ્વારા સ્વચ્છતા સૈનિકો માટે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૧૧૬ સ્વચ્છતા સૈનિકોની સઘન આરોગ્ય તપાસ કરાઈ હતી.
સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પહેલ અંતર્ગત, વિવિધ ખાણીપીણીની લારીઓવાળાઓને પેમ્ફલેટ વિતરણ કરીને, કચરાના વર્ગીકરણની સમજ આપવામાં આવી હતી. જાહેર સ્વચ્છતા સાથે આંતરિક શુદ્ધિ માટે યોગ શિબિર યોજવામાં આવી હતી. જેમાં ૬૦થી વધુ નાગરિકો જોડાયા હતા. ઉપરાંત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.




