Rajkot: અંધશ્રદ્ધામાં ગળાડૂબ પરિવારનું કુશળ કાઉન્સેલિંગ કરી પરિણીતાનું સાસરીમાં પુન: સ્થાપન કરાવતી ટીમ ૧૮૧ અભયમ
તા.૧૮/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટના ગ્રામ્ય વિસ્તારમા ૧૮૧ અભયમની ટીમ દ્વારા અંધશ્રધ્ધામાં ગળાડૂબ પરિવારનું કુશળ કાઉન્સેલિંગ કરી પરીણિતાનું સાસરી પક્ષમાં પુનઃસ્થાપન કરાવ્યું હતું.
૧૮૧ હેલ્પલાઇન પર મદદ માટે એક મહિલાએ કોલ કરીને જણાવ્યું કે, મારા સાસરી પક્ષવાળા મને ઘરમાં આવવાની મનાઈ કરે છે અને મારી બે નાની દીકરીઓને મળવા દેતા નથી માટે મદદની જરૂર છે.
૧૮૧ ટીમના કાઉન્સિલર તૃપ્તિ પટેલ સહિત ટીમ દ્વારા મહિલાના સાસરીમાં સાસુ, સસરા અને પતિનું કાઉન્સિલિંગ દરમિયાન પરિવારે જણાવેલ કે, ઘરે કુળદેવીના નૈવેદ્યની વિધિ દરમિયાન તેમના વહુના પિતાનો ફોન આવતા તેમના વહુ આ વિધિ અધવચ્ચેથી છોડી તેમના માતા-પિતાના કહેવાથી પિયર જવા રવાના થયેલ, આથી તેમના કુળદેવીનુ અપમાન કર્યું હોવાથી તેઓ તેમના વહુ માતા-પિતાના કહેવાથી જતા રહેલ હોય આથી તેમના વહુના માતા પિતા અહીંયા આવી તેમની કુળદેવી પાસે માફી માંગે તો જ અમે અમારી વહુને ઘરમાં આવવા દેશું તે ઉપરાંત અમારી વહુએ અમારી કુળદેવી પાસે તેમના માતા પિતા પાસે ન જવાના વચને બંધાવું પડશે.
ટીમ દ્વારા મહિલાના સાસરી પક્ષની આ બધી બાબત સાંભળ્યા પછી સાસરી પક્ષનું કાઉન્સિલિંગ કરી કાયદા વિશે જાણકારી આપી તે છતાં મહિલાના સાસરી પક્ષ સમજવા તેમજ મહિલાને સ્વીકારવા તૈયાર નહોતા માટે ટીમ દ્વારા સાસરી પક્ષનું કુશળ કાઉન્સિલિંગ અને નૈતિક ફરજ સમજાવી સલાહ સૂચના આપી ટીમ દ્વારા ઘણી મથામણ બાદ મહિલાના પતિ અને સાસુ સસરાને અભયમની વાત ગળે ઉતરી અને મહિલાને સ્વીકારવા તેમજ હવે પછી કોઈ પણ પ્રકારે ત્રાસ આપશે નહી એની ખાતરી આપી, આમ મહિલાને તેમની સાસરીમાં ફરી પુનઃસ્થાપન કરાવ્યું અને મહિલાએ પણ ટીમ અભયમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો.