આણંદમાં રાષ્ટ્રીય ડેરી બોર્ડની હીરક જયંતી અને ત્રિભુવનદાસ પટેલની જયંતીની ઉજવણી થઈ

આણંદમાં રાષ્ટ્રીય ડેરી બોર્ડની હીરક જયંતી અને ત્રિભુવનદાસ પટેલની જયંતીની ઉજવણી થઈ
તાહિર મેમણ : 22-10-2024- – આણંદ – આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની સ્થાપનાના 59 વર્ષ પૂર્ણ થઈ, 60 માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જે અંતર્ગત આજરોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા હિરક જંયતીની ઉજવણી કરવામાં આવી હતી. સાથે-સાથે અમૂલના આદ્ય સ્થાપક ત્રિભોવનદાસ પટેલની જન્મજયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી. એન.ડી.ડી.બી કેમ્પસમાં આવેલ ટી. કે. પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી રાજીવ રંજન સિંઘ (લલનસિંઘ), રાજ્યમંત્રી એસ.પી.સીંગ બઘેલ અને જ્યોર્જ કુરિયન સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે NDDB ની કામગીરી દર્શાવતી એક શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જે બાદ વડોદરાના ઈટોલા ખાતે 210 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મધર ડેરી સંયંત્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મધર ડેરીની પ્રોડક્ટ ગીર ગાયનું ઘી તેમજ ઉત્તરાખંડ ડેરીની પ્રોડક્ટ બદ્રી ગાયના ઘી નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તદુપરાંત મહેસાણા દૂધ સંઘ, ઈસરો સહિતની વિવિધ સંસ્થાઓ સાથે NDDB એ એમ.ઓ.યુ કર્યાં હતાં.
દૂધ ઉત્પાદનમાં ભારત દેશ નંબર 1 બન્યો – રાજીવ રંજન સિંઘ
આ પ્રસંગે NDDB ના ચેરમેન મિનેશ શાહ એ ઉપસ્થિત તમામનું સ્વાગત કરી, સૌને NDDB ની કાર્યશૈલીથી વાકેફ કર્યાં હતાં. જ્યારે, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી રાજીવ રંજન સિંઘ (લલનસિંઘ) એ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ દૂધમાં યુરીયા ભેળસેળ કરવામાં આએ છે, વધુ દૂધ માટે ગાયને ઈન્જેકશન આપવામાં આવે છે. આવા ભેળસેળયુક્ત દૂધથી કેન્સરની બિમારી થાય છે. પનીરમાં પણ સૌથી વધુ મીલાવટ થાય છે. જેથી અમે તમામ દૂધ ઉત્પાદન સંસ્થાને સહકારીતા સાથે જોડવા પ્રયાસ કરીએ છે. પ્રધાનમંત્રીના 9 વર્ષના અથાગ પ્રયાસથી દૂધ ઉત્પાદનમાં ભારત દેશ નંબર 1 બન્યો છે. પશુધનને બિમારીમાંથી મુક્ત કરવા પણ અભિયાન ચલાવ્યું છે.
અમૂલ અને NDDB ના કોઈ માલિક નથી એટલે જ મિલાવટ થતી નથી – અમિત શાહ
આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ પોલસન ડેરીના માલિકોએ આણંદના ખેડૂતો સાથે અન્યાય કર્યો હતો. જે તે વખતે ત્રિભુવનદાસ પટેલે આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલને ફરીયાદ કરી હતી. જે બાદ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ત્રિભુવનદાસ પટેલે કો-ઓપરેટીવ સંસ્થા બનાવી તેમાં 2 કરોડ ખેડૂતોને જોડ્યાં હતાં. જો પોલસન ડેરીએ અન્યાય કર્યો ન હોત તો ભારતમાં અમૂલ ન હોત. અમૂલ અને NDDB માં મિલાવટ થતી નથી. કેમ કે માલિક હોય તો મિલાવટ થાય. પરંતુ અમૂલ અને NDDB ના કોઈ માલિક જ નથી. આમાં તો કિસાનો જ માલિક છે.





