GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના ત્રિમંદિર ખાતે ટીબી મુક્ત ૧૩૫ ગામના સરપંચશ્રીઓને પુરસ્કાર વિતરણ કાર્યક્રમ તથા કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપ યોજાયો

તા.૨૫/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

માનવસેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરી ૨૦૨૫માં સમગ્ર જિલ્લાને ટીબી મુકત કરવાનો સંકલ્પ વ્યક્ત કરતા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી

Rajkot: દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુકત ભારતના સ્વપ્નને સાર્થક કરતી રાજકોટ જિલ્લાની ટીબી મુકત ૧૩૫ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને ત્રિ-મંદિર ખાતે પુરસ્કાર એનાયત કાર્યક્રમ અને કેપેસીટી બિલ્ડિંગ વર્કશોપ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નસમા ટીબી મુક્ત ભારત અભિયાનમાં સરાહનીય કામગીરી કરનાર સરપંચો અભિનંદનીય છે, સાથે જ સહિયારા પ્રયાસોથી આવનારા સમયમાં સમગ્ર જિલ્લાને ટીબી મુક્ત બનાવવા માટેની નેમ આપણે હાથ ધરી છે. છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચે તે માટે જિલ્લાના સૌ આરોગ્ય કર્મીઓ કટિબદ્ધ થયા છે. વળી માનવસેવા એ જ પ્રભુ સેવા છે તેને નિષ્ઠાપૂર્વક અનુસરવા પ્રમુખશ્રી રંગાણીએ અનુરોધ કર્યો હતો.

સાંસદ શ્રી રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ટીબી નિર્મૂલન અભિયાનમાં આપણા રાજકોટ જિલ્લાના સરપંચો તથા આરોગ્ય કર્મીઓના સતત પ્રયાસોથી આ ભગીરથ કાર્યમાં સફળતા મળી રહી છે. મોદી કાળમાં લોકોને માતાના ગર્ભમાં રહેલ શિશુ કાળથી અંતિમ ક્ષણ મરણ સુધી તમામ સ્તરે સહાય આપવામાં આવી રહી છે. સાંસદશ્રીએ આશરે ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્મિત એઈમ્સ જેવી આરોગ્યની સુવિધાને ગ્રામ વિસ્તાર સુધી પહોંચાડવા સરપંચશ્રીઓ એઇમ્સના સહકાર થકી આરોગ્ય કેમ્પ યોજવા અનુરોધ કર્યો હતો.

આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી લીલાબેન ઠુંમરે કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં આશરે ૩૨૦૦૦ જેટલી સગર્ભાઓની નોંધણી થાય છે ત્યારે તેમની નોંધણી કરતા તેમજ ગ્રામ વિસ્તારમાં આરોગ્ય અંગે સ્ક્રિનિંગ કરતા તમામ આરોગ્ય કર્મીઓએ કોઈ પણ સગર્ભાને ટીબી જણાય તો તેને પીએચસી થી લઈ જિલ્લા સુધી લઈ આવી તેની આરોગ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રતિબધ્ધ રહેવાથી બે જીવન બચાવી શકાશે. સાથે જ તમામ સરપંચને અનુલક્ષીને તેમણે અનુરોધ કર્યો હતો કે, ગામમાં અનેક પછાત વિસ્તારમાં કોઈ જાગૃતિ ન હોવાથી સરપંચો ત્યાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો કરશે તો સમગ્ર જિલ્લામાં ટીબી નિર્મૂલન થવું એ દૂર નથી.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે, સરપંચ માટે પોતાના ગામમાં એક પણ ટીબી પેશન્ટ ન હોવું તે ગર્વની બાબત છે.આજે રાજકોટ જિલ્લાની ૪૦% ગ્રામ પંચાયતો ટીબી મુક્ત છે ત્યારે સરપંચો પોતાના વિસ્તારના ટીબી મુકિત માટેના એમ્બેસેડર બન્યા છે.માણસનું જીવન બચાવવું એ અતિ મહત્વનું કામ છે ત્યારે આ કાર્ય પાર પાડનાર તમામ ૧૩૫ સરપંચશ્રીઓને તેમણે અતિ ઉમદા કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ રાજકોટ દ્વારા ટીબી મુકત ગ્રામ પંચાયતોને બ્રોન્ઝ એવોર્ડ રૂપે ગાંધીજીની પ્રતિમા અને ટીબી મુકત ગ્રામ પંચાયતના પ્રમાણપત્ર એનાયત કરી સરપંચશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટી. બી. મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ રાજકોટ જિલ્લાની ૫૯૩ ગ્રામ પંચાયતમાંથી ૧૩૫ ગ્રામ પંચાયતોને ટીબી મુકત જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ તાલુકાની ૩૩ ગ્રામ પંચાયત, જામ કંડોરણા તાલુકાની ૨૮, જસદણ તાલુકાની ૨૩,ગોંડલ અને પડધરી તાલુકાની ૦૯-૦૯, વિંછીયા તેમજ ઉપલેટા તાલુકાની ૦૮-૦૮,જેતપુર તાલુકાની ૦૬, લોધિકા અને ધોરાજી તાલુકાની ૦૫-૦૫ અને કોટડા સાંગાણીની ૦૧ ગ્રામ પંચાયતોને ટીબી મુકત જાહેર કરવામાં આવી છે.

આ કાર્યક્રમમાં એઈમ્સના તબીબ તેમજ ટીબીના ઝોનલ ટાસ્ક ફોર્સના ચેરમેન શ્રી ભાવેશ મોદી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પી. કે.સિઘ, તમામ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!