Rajkot: જસદણ-વિંછીયા ખાતે રોગી કલ્યાણ સમિતિ, લેન્ડ કમિટીની બેઠક યોજાઈ
તા.૨૭/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયાના ૧૩ પરિવારોને પ્લોટની સનદ વિતરણ કરાઈ
Rajkot: વિંછીયા અને જસદણના તાલુકા સેવા સદન પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જસદણ,વિંછીયા અને સાણથલી સરકારી હોસ્પિટલોની રોગી કલ્યાણ સમિતિની તેમજ લેન્ડ કમિટી અને પી.જી.વી.સી.એલ. અંગેની બેઠક યોજાઈ હતી.
મંત્રીશ્રીએ વિંછીયાના ૧૩ પરિવારોને ઘરથાળના પ્લોટની સનદ વિતરણ કરી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરી ઘરનું ઘર મેળવવા માટે અનુરોધ કર્યો હતો.લેન્ડ કમિટીની બેઠકમાં મંત્રીશ્રીએ ગામતળના વિસ્તારોમાં રહેતા વિચરતી-વિમુકત જાતિના પાત્રતા ધરાવતા પરિવારોને ખાસ ઝુંબેશ હાથ ધરી વધુને વધુ પરિવારોને પ્લોટ મળે તે અંગે સૂચના આપી હતી. ખેડૂતોના બિનકાર્યરત સોલાર અંગે મંત્રીશ્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને આ અંગેની કામગીરી વહેલી તકે કરવા ખાસ ભાર મૂકયો હતો.
રોગી કલ્યાણ બેઠકમાં હોસ્પિટલ ખાતે આવશ્યક દવા, સર્જીકલ સાધનો, લેબોરેટરી અને અન્ય જરૂરી વસ્તુઓની ખરીદી તથા ખર્ચ વિષે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર અર્થે વધુ જરૂરી સેવાઓ માટે વિવિધ સ્થળો અને વસ્તુઓના રીપેરીંગ તથા અન્ય કામગીરી અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મામલતદારશ્રી આર.કે. પંચાલ, રોગી કલ્યાણ સમિતિના ઉપાધ્યક્ષ શ્રી, સભ્ય સચિવ ડો. ચૈતાલી કે. રામ, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી જસદણ- વિંછીયા, વિવિધ વિભાગોના ઈન્ચાર્જ તબીબો વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.