નવ મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી સ્નેહકુટિર વૃધ્ધાશ્રમ, નાગલપુર ખાતે કરવામાં આવી.
આયુષ મેળામાં ધન્વતરી પૂજન સહિત વિવિધ આયુષ સેવા કાર્યો.

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ- ૨૦૨૪
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સરકાર દ્વારા ચાલતા આયુષ દવાખાનાઓમાં લાભ લઈને સ્વસ્થતા મેળવવી જોઈએ – સાંસદશ્રી હરિભાઈ પટેલ
વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
નિયામકશ્રી આયુષ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિર્દેશિત આયુર્વેદિક શાખા જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા સ્નેહકુટિર વૃધ્ધાશ્રમ, નાગલપુર ખાતે આજે ૯ (નવ) મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી .
સાંસદ હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાએલા આયુષ મેળા અંતર્ગત ધન્વતરી પૂજન સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં અગ્નિકર્મ ચિકિત્સા ,નિ:શુલ્ક નિદાન સારવાર કેમ્પ, પ્રકૃતિ પરીક્ષણ, આમલકી પાનક વિતરણ , મેડિકલ કેમ્પ , NCD કેમ્પ, ચશ્મા વિતરણ, દાંતના ચોકઠા વિતરણ, મેન્ટલ હેલ્થ કેમ્પ, ગર્ભાશય ના મુખના કેન્સર ની રસી , વૃધ્ધ માતાઓને સાડી વિતરણ અને પીએમજે એ વાય કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતુ કે ભગવાન ધનવંતરીના પ્રાગટ્ય દિવસ અને ધનતેરસની પૂજાના પાવન પર્વે આજરોજ સ્નેકુટીર ખાતે યોજાયેલા જિલ્લા આયુષ મેળામાં વિવિધ આયુષ સેવા કાર્યો કરવામાં આવ્યા છે. સમુદ્ર મંથનમાં આજના દિવસે ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા તેમજ તેઓ આધિ વ્યાધિ ઉપાધિમાંથી સૌને મુક્ત કરે છે વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈ મોદીએ આયુર્વેદથી સ્વસ્થ સ્વાસ્થ્ય માટે આયુષ મેળાઓનો પ્રારંભ કરાવ્યો છે જેનાથી અનેક લોકો રોગમુક્ત બન્યા છે. આયુર્વેદમાં ચરી પાડવી પડે પણ રોગ જળ મૂળમાંથી જાય છે અને તેના અઢળક લાભ મળે છે . આથી સરકાર દ્વારા ચાલતા આયુષ્ય દવાખાનાઓમાં લોકોએ તેનો લાભ લઈને સ્વસ્થતા મેળવવી જોઈએ અને રોગોને જડમૂળથી નાબૂદ કરવા જોઈએ. ઋષિમુનિઓ દ્વારા મળેલ આયુર્વેદની ભેટને સરકારી તંત્ર આયુર્વેદની સારવાર દ્વારા સુપેરે નિભાવી રહ્યું છે ત્યારે આનો વધારે પ્રચાર પ્રસાર થાય અને લોકો એનું વધુ લાભ લે તેમ પણ સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો.
મહેસાણાના ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલની પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે,” સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ પણ ધનવંતરી કાર્યક્રમ કરાય છે. આયુષ મેળાના કાર્યક્રમમાં સર્વાઇકલ કેન્સરની રસી અપાય છે તેમજ ચશ્મા, સાડી અને મેડિકલ કીટ તેમજ આયુષ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ પીએમજેવાય કાર્ડના 20 લાભાર્થીઓને પણ આનો લાભ મળ્યો છે. વડાપ્રધાન શ્રીનરેન્દ્ર ભાઈએ દેશની સુકાન સંભાળ્યું છે ત્યારથી આયુર્વેદ અને તેની ચિકિત્સા પદ્ધતિના ઉપાયો પણ વધુ પ્રચાર પ્રસાર પામ્યા છે. આયુષ મંત્રાલયની સ્થાપના પણ વડાપ્રધાન શ્રીએ કરાવી છે. જામનગરમાં પણ આપણે આયુર્વેદ જ યુનિવર્સિટી ની સ્થાપના કરવાના છે ત્યારે આયુષનું મહત્વ સમજી અને આયુર્વેદની દવામાં રસ લઈએ ”
એક્યુપ્રેશર માટે શ્રી જે.પી મિશ્રાએ લોકોને એક્યુપ્રેશર શીખવાડ્યું હતું તેમજ એક્યુપ્રેશરથી કઈ રીતે ઝડપી સારવાર થાય એ પણ જણાવ્યું હતું.મદદનીશ નિયામક આયુષ ગાંધીનગર શ્રી એચ.એમ જોષીએ સ્વાગત પ્રવચનમાં જિલ્લાના ખેરવા,ગળી અને ઊંઝા ખાતે પંચકર્મ થાય છે તે માહિતી પૂરી પાડી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2016 થી આયુષ મેળા પ્રારંભ કરાવેલ છે એમ માહિતી પૂરી પાડી હતી.
મહેસાણા લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને સાડી, ચશ્મા, આયુષ કીટ વિતરણ, પીએમજેએવાય કાર્ડ મેડિકલ કીટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ ત્રણ દીકરીઓ ત્રણ લાભાર્થીને સવાઈ કલમ કેન્સરની રસી આપવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવો એ લાભાર્થીઓને વિવિધ સેવાકીય લાભોના વિતરણ કર્યા હતા કાર્યક્રમની આભાર વિધિ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી ડો. શ્રુતિબેન જૈને કરી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અજયભાઈ બારોટે કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સ્નેહ કુટીર સિનિયર સિટીઝન હોમ (વૃદ્ધાશ્રમ ) ખાતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્યાં ના વૃદ્ધ વડીલો ને PMJAY કાર્ડ 21 ,સાડી 32 ,દવાની કીટ 25, ચશ્મા 19 ,દાતના ચોકઠા 3 વિતરણ કરવામાં આવ્યા.અને એક વૃદ્ધ માતાને મોતિયાની સર્જરી કરવામાં આવેલ.તેમજ ઓપીડી માં કુલ 101લાભર્થી ને તપાસવામાં આવેલ અને NCD ના કુલ 75 વડીલો નું ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતુ .
આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ અંબાલાલ પટેલ, મનિષ પટેલ, અર્બન બેંક ચેરમેન ડો.પી.આર.પટેલ,ચંદ્રકાંત પટેલ, કે.કે પટેલ,મિહિર આર.પટેલ ચેરમેન,આરોગ્ય સમિતિ જિ.પં.મહેસાણા,મિહિર પટેલ પ્રમુખ, નગરપાલિકા-મહેસાણા મનેશભાઈ પટેલ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કાપડીયા, નિવાસી મેડિકલ તબીબ ગઢવી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રીમાળી, વિસ્તારના સર્વે પદાધિકારી અને સંબંધિત અધિકારી અને કર્મયોગીઓ,લાભાર્થીઓ સાથે ઉપસ્થિતિ રહયા હતા.







