NATIONAL

ડબલ એન્જિન સરકારમાં બે મહિનામાં જ ગેંગરેપની ૮ ઘટના ઘટી સરકાર મૌન !!!

ભાજપ શાસિત મધ્ય પ્રદેશના રીવામાં પિકનિક પર ગયેલી 19 વર્ષની યુવતી પર 8 હેવાને ગેંગરેપ ગુજાર્યો એ ઘટનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે. બેફામ બળાત્કારીઓએ યુવતી પર ગેંગ રેપ ગુજાર્યાની કબૂલાત કરતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર મૂકીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા છે ત્યારે મહિલાઓની સુરક્ષાની વાતો કરતા ભાજપના નેતા આ મુદ્દે ચૂપ છે.

આઘાતજનક વાત એ છે કે, મધ્ય પ્રદેશમાં છેલ્લા બે મહિનામાં જ ગેંગરેપની આ આઠમી ઘટના છે. મતલબ કે, દર અઠવાડિયે ગેંગરેપની એક ઘટના બને છે. દેશમાં બીજે ક્યાંય પણ બળાત્કારની ઘટના બને તો તૂટી પડતા ભાજપના નેતા ઉપરાછાપરી થઈ રહેલી ગેંગરેપની ઘટનાઓ મુદ્દે સાવ મૌન છે એ ભાજપના ચાવનાના અને બતાવવાના દાંત જુદા જુદા હોવાનો પુરાવો છે.

મધ્ય પ્રદેશ પોલીસે જ આપેલી માહિતી પ્રમાણે, છેલ્લા મહિનામાં મધ્યપ્રદેશના સતના, જબલપુર, રીવા અને દતિયા જિલ્લામાં ગેંગરેપના ચાર કેસ નોંધાયા છે અને તેમાંથી બે કેસમાં બે પીડિતા સગીર હતી. પોલીસ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ત્રણ કેસમાં તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે જ્યારે ચોથા કેસમાં આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. આ સિવાય બીજા પણ ગેંગ રેપના કેસ નોંધાયા છે. તેના પર નજર નાંખીએ.

4 સપ્ટેમ્બર, ઉમરિયા 

ઉમરિયા જિલ્લામાં મામાના ઘરે રહીને ૧૦મા ધોરણમાં ભણતી 19 વર્ષની છોકરી રાત્રે વાંચતી હતી ને પછી પેશાબ કરવા બહાર આવી ત્યારે બે યુવકોએ મોંઢુ દબાવીને તેને ઉઠાવી લીધી હતી. યુવતીને બંને પાસેના જંગલના નિર્જન વિસ્તારમાં લઈ ગયા અને ગેંગરેપ ગુજાર્યા પછી તેને તરફડતી હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. માંડ માંડ ઘરે પહોંચેલી છોકરી આપવિતી સંભળાવતાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભોલા અને રામરાજ નામના ગામના જ બે યુવકોની ધરપકડ કરી હતી.

12 સપ્ટેમ્બર, ઈન્દોર 

ઈન્દોર નજીક મહુ આર્મી કોલેજમાં તાલીમ લઈ રહેલા બંને અધિકારીઓ બપોરે છોટી જામ ખાતે ફાયરિંગ રેન્જ નજીકના સ્થળે બે મહિલા મિત્રો સાથે ગયા હતા ત્યારે ગેંગ રેપની ઘટના બની હતી. મોડી સાંજે બે યુવાન લશ્કરી અધિકારીઓ પોતાની મિત્ર યુવતીઓ સાથે ફરવા ગયા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. અધિકારીને ખંડણીનાં નાણાં લેવાના બહાને રવાના, કર્યા પછી મિત્ર યુવતી પર બંદૂકની અણીએ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે બે હુમલાખોરોની ધરપકડ કરી છે, જેમાંથી એકનો ગુનાહિત રેકોર્ડ હોવાનું જાણવા મળ્યું છે.

16 સપ્ટેમ્બર, દતિયા 

દતિયા જિલ્લામાં એક 17 વર્ષીય છોકરી 16 સપ્ટેમ્બરની સાંજે  ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે પાછળથી આવેલા ત્રણ હેવાને તેનું મોં દબાવીને ખેતરમાં ખેંચી જઈને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓએ સામૂહિક બળાત્કારનો વીડિયો પણ શૂટ કર્યો હતો. તેમણે પીડિતાને ધમકી આપી હતી કે, કોઈને કંઈ પણ કહેશે તો આ વીડિયો વાયરલ કરી દેશે. છોકરીએ હિંમત કરીને પોલીસને ફરિયાદ કરી દીધી હતી.

19 સપ્ટેમ્બર, રીવા

રીવા જિલ્લામાં 19 વર્ષની યુવતી બપોરે અટ્રાઇલા પોલીસ સ્ટેશનની હદ હેઠળની દુકાનમાંથી કરિયાણું લઈને તેના ગામ પરત ફરી રહી હતી ત્યારે બે વ્યક્તિએ તેનો પીછો કર્યો હતો. યુવતી કંઈ સમજે એ પહેલાં પાછળથી મોં દબાવીને તેને નિર્જન વિસ્તારમાં લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. યુવતી ભાગવામાં સફળ થયા પછી ફોન કરીને પોતાના સગાને આપવિતી કહી હતી. આ કેસમાં કિશન કોલ (21) અને સંતલાલકોલ (22)ની ધરપકડ કરવામાં આવી છે.

20 સપ્ટેમ્બર, જબલપુર 

જબલપરમાં 20 સપ્ટેમ્બરે રોજ ગોરખપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં 17 વર્ષની છોકરીને ઉઠાવી જઈને ચાર પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. છોકરી ઘરે જઈ રહી હતી ત્યારે આર્યન અને તેના ત્રણ મિત્રો નિહાલ, અંશુલ અને ગોલુએ તેને ઉઠાવી જઈને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ચારેયે 20 કલાક સુધી બંદી બનાવી રાખીને વારંવાર હવસ સંતોષ્યા પછી કોઈને કહેશે નહીં તેની ખાતરી આપ્યા પછી જવા દીધી હતી.

21 સપ્ટેમ્બર, સતના 

સતના જિલ્લામાં 19 વર્ષીય યુવતી પર 21 સપ્ટેમ્બરના રોજ ચાર પુરુષોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી કામે જઈ રહી હતી ત્યારે તેનો ઓળખીતો દિનેશ ગુપ્તા લિફ્ટ આપીને નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને તેના સાથી  રાજજી અને વિવેક સાથે મળીને બળાત્કાર ગુજાર્યો હતો. પછી ગુપ્તા તેને એક ઢાબા પર લઈ ગયો હતો જ્યાં અન્ય આરોપી અર્જુનપટેલે પણ બળાત્કારનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ત્યાંથી ભાગી છૂટી હતી.

18 ઓક્ટોબર, શાહડોલ

શાહડોલ જિલ્લામાં એક યુવતીની લાશ ઝાડ પર લટકેલી મળી હતી. પોલીસ તપાસમાં યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનું બહાર આવ્યું હતું. યુવતી લાકડાં વિણવા જંગલમાં ગયેલી ત્યારે તેના ઓળખીતાએ બાઈક પર બેસાડી હતી. નિર્જન સ્થળે લઈ જઈને બળાત્કાર કર્યો હતો. એ પછી પોતાના મિત્રને ફોન કરીને બોલાવ્યો ને બંનેએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. યુવતીને ચૂપ રહેવા ધમકી આપેલી પણ યુવતીએ પોલીસને ફરિયાદ કરવાનું કહેતાં તેના જ દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરીને યુવતીની લાશ ઝાડ પર લટકાવીને ફરાર થઈ ગયા હતા.

27 ઓક્ટોબર, જબલપુર

મધ્ય પ્રદેશના જબલપુરમાં એક ડૉક્ટર અને સ્પા સેન્ટરના ડિરેક્ટરે રસ્તા પર ઉભી રહેલી યુવતીને ઉઠાવી લઈને ચાલતી કારમાં ગેંગરેપની ઘટનાને અંજામ આપવાનો આઘાતજનક બનાવ નોંધાયો છે. જબલપુરના બરેલા થાણા વિસ્તારમાં એકતા માર્કેટ પાસે પચરીસા હોટલ પાસે યુવતી ઉભી હતી ત્યારે સફેદ ક્રેટામાં આવેલા બંનેએ રાત્રે લગભગ સાડા ૮ વાગ્યે યુવતીને ઉઠાવી હતી. બંનેએ કારમાં વારાફરતી યુવતીને હવસનો શિકાર બનાવી અને રાત્રે સુનસાન રોડના કિનારે યુવતિને છોડી ભાગી નિકળ્યા હતા. યુવતી માંડ માંડ પોલીસ સ્ટેશને પહોંચી હતી અને ફરિયાદ કરી હતી.

Back to top button
error: Content is protected !!