આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય, અમદાવાદ ખાતે તાળાં તોડીને ચોરી.
પૈસાની લાલચે નહિ પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાષ્ટ્રીય રાજનૈતીક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષીત નથી: ઈસુદાન ગઢવી
મારી ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની શંકા છે: ઈસુદાન ગઢવી
આજે સ્પષ્ટ થઈ ગયું કે ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી: ઈસુદાન ગઢવી
મુખ્યમંત્રીએ આ મુદ્દા પર પગલાં લેવા જોઈએ: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે ગતરોજ ઓફિસના તાળા તોડીને ચોરી કરવામાં આવી હતી. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સામાન્ય જનતાનું ઘર તો ઠીક પરંતુ આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગતરોજ જ્યારે આમ આદમી પાર્ટીની ટીમ રજા પર હતી, ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યાલયના તાળા તોડીને ચોરી કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટીની ઓફિસમાં સોના-ચાંદી કે રોકડ રકમ તો હશે નહીં, તો પછી શા માટે ચોરી કરવામાં આવી હશે?
મળતી માહિતી મુજબ આમ આદમી પાર્ટીના બહારના ગેટના દરવાજાનું લોક તોડવામાં આવ્યું, ત્યારબાદ ઓફિસના કાર્યાલયના દરવાજાનું લોક તોડવામાં આવ્યો. ત્યારબાદ કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરનું લોક તોડીને LED ટીવી સહીત અગત્યના ડોક્યુમેન્ટ ચોરાયા હોવાની શંકા છે. અમારો સવાલ છે કે ગુજરાતમાં આ બધું શું થઈ રહ્યું છે? અમારી પાર્ટીના કાર્યાલયમાં અમારા પ્લાનિંગના અને રણનીતિના ડોક્યુમેન્ટ હશે. માનવામાં આવી રહી છે કે ખૂબ જ અગત્યના કાગળની ચોરી થઈ હશે. આ મુદ્દા પર અમારી માંગ છે કે મુખ્યમંત્રીએ મીટીંગ કરીને આ ચોરી કરાવનાર વિરુદ્ધ પગલાં લેવા જોઈએ.