BHARUCHGUJARAT

આમોદ: ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો..

સમીર પટેલ, ભરૂચ

આમોદ નગર પાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર એકમાં ગટરનું ગંદુ પાણી ઉભરાવાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે આક્રોશ ફાટી નીકળ્યો છે. સ્થાનિક મહિલાઓ રણચંડી બની નગર પાલિકા હાય-હાયના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.

આમોદ નગરપાલિકાનાં વોર્ડ નંબર એકમાં રહેતા સ્થાનિકો દૂષિત અને દુર્ગંધ યુક્ત ગટરના ગંદા પાણી સહિત દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા 2 મહિના ઉપરાંતના સમયથી પુરસારોડ નવી નગરી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યા અને તેનાથી વિસ્તારમાં રોગચાળો વકરવાની દહેશતથી સ્થાનિકો હાંફળા ફાંફળા થઈ ઉઠ્યા છે. નગરપાલિકાનાં ઉપપ્રમુખનો વિસ્તાર હોવા છતાં ગટરની સમસ્યા યથાવત રહેતા અન્ય વિસ્તારમાં સર્જાતી સમસ્યાઓ મુદ્દે નાગરિકો રજૂઆત કરે તો કોને કરે તે એક ગંભીર પ્રશ્ન છે. વોર્ડ નંબર એકમાં સર્જાયેલ ગટરની સમસ્યાનું સમાધાન લાવવામાં આવે તેવી રહીશોમાં માંગ ઉઠી છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આમોદની ભાજપ શાસિત નગર પાલિકા ખિસ્સા ગરમ કરવામાં લાગી હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ભાજપની વિકાસની નીતિને પાલિકાનું વહીવટી તંત્ર નેવે મૂકીને ચાલી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. ગતરોજ 2 કરોડ ઉપરાંતના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં તંત્રનો વહીવટ ખાડે ગયો હોઈ તેમ પ્રતીત થઈ રહ્યું છે. આમોદ નગર પાલિકાના આંતરિક વિખવાદનો ભોગ નગરની ભોળી પ્રજા બની રહી છે. તારા મારીના ચક્કરમાં નગરની પ્રજા સુવિધાઓથી વંચિત થઈ રહી છે. અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ઉભરાતી દુર્ગંધયુક્ત ગટરો ના ત્રાસથી સ્થાનિકો તૌબા પોકારી ઉઠ્યા છે. અનેકો રજૂઆતો છતાંય પરીણામ નહીં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. અને ઘરને તાળું મારી ચાલ્યા જવું પડશેની ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

અત્રે નોંધનીય બાબત છે, કે અગાઉ લેખિત, મૌખિક તેમજ ટેલિફોનિક પણ અનેકો વાર રજૂઆત કરવા છતાંય પાલિકા કામ કરવા તૈયાર નથી. અરે એટલુંજ નહીં પાલિકાના સત્તાધીશો ભરૂચ જિલ્લા કલેકટર અને ધારાસભ્યને પણ જાણે ઘોરીને પી ગયા હોઈ તેમ તેઓની સૂચનાની પણ અવગણના કરતા હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોએ સમસ્યા મુદ્દે ધારાસભ્ય ડિ.કે સ્વામીને પણ રજુઆત કરી હતી. જે બાદ ધારાસભ્યએ પણ પાલિકાને સમસ્યાનું નિરાકરણ લાવવા સૂચના આપી હતી. છતાંય પાલિકાએ કામગીરી કરવાની તસ્દી લીધી ન હતી. એટલુંજ નહીં સ્થાનિક દ્વારા આ મુદ્દે જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાને પણ સમસ્યા મુદ્દે ટેલિફોનિક ફરિયાદ કરતા કલેકટરે આશ્વાસન આપ્યું હતું. કે મેં સૂચના આપી છે. કામગીરી થઈ જશે. પરંતુ આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું ન હતું. આ મુદ્દે આમોદ નગર પાલિકાના ચીફ ઓફિસર સાથેની વાતચિતમાં તેમણે જણાવ્યું હતું, કે આવતી કાલ સુધીમાં સમસ્યાનું નિરાકરણ કરી આપીસુનું આશ્વાસન આપ્યું હતું. હવે જોવું એ રહ્યું કે પાલિકા વોર્ડ. નંબર.1 ના રહીશોનું કાયમી સમાધાન લાવે છે કે કેમ.? જો આવનાર સમયમાં સમસ્યાનું ચોક્કસ અને કાયમી નિરાકરણ લાવવામાં નહીં આવેતો આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાય તે વાત નકારી શકાય તેમ નથી. પાલિકાના સત્તાધીશો તાકીદે આ મુદ્દે કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

Back to top button
error: Content is protected !!