
નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે નવેમ્બર માસની રોડ સેફ્ટી અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લામાંથી પસાર થતા વિવિધ માર્ગો પરના બ્લેક સ્પોટ, એઆરટીઓ કચેરી દ્વારા કરવામાં આવેલી ટ્રાફિક અવેરનેસ અને ડ્રાઈવની કામગીરી, રાજપીપલા શહેરી વિસ્તારમાં માર્ગો રખડતા ઢોર પકડવા અને માર્ગ અકસ્માતોને રોકવા અંગેની કામગીરી, હાલ જિલ્લામાં અસ્તિત્વમાં રહેલા ચાર પૈકી દેડિયાપાડા તાલુકામાંથી પસાર થતા રસ્તા પર રોડ સેફ્ટી કમિટી દ્વારા ઓળખ કરવામાં આવેલા ત્રણ બ્લેક સ્પોટમાં જરૂરી પગલાં લેવા જેવી બાબતો, વડીયા જકાતનાકાથી નેત્રંગ તરફના માર્ગ પરના ખાડા રિસર્ફેસિંગનું કામ કરી અકસ્માત નિવારણ, ડિટેઈન કરેલા વાહનો યોગ્ય જગ્યાએ પાર્ક થાય તેવી બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ અલગ અલગ ગુન્હા માટે એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ કરાવા અંગેની જરૂરી સૂચના જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી.
નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારની હિટ એન્ડ રન પોલીસી અંતર્ગત જિલ્લામાં કુલ ૨૬ કેસો નોંધાયા હતા. જે પૈકી જિલ્લા રોડ સેફ્ટી સમિતિ દ્વારા ૨૦ કેસોમાં ચૂકવણું કરવા અંગે અત્યારસુધી મંજૂરી આપી સંબંધિત વીમા કંપનીને દરખાસ્ત મોકલી આપવામાં આવી હતી. જે પૈકી અત્યારસુધીમાં ૮ કેસમાં ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ કેટલિક વિસંગતાઓને કારણે 6 કેસો હજી તપાસ હેઠળ છે.



