મણિપુરમાં તણાવ વધ્યો, મૈતેઈ સંગઠનોએ સરકારનો પ્રસ્તાવ નકાર્યો, 24 કલાકનું અલ્ટીમેટમ
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં અશાંતિ અને ઉકળતો ચરુ છે. મેઈતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ NDA ધારાસભ્યોની દરખાસ્તને ફગાવી દીધી છે. કુકી બળવાખોર જૂથો સામે નક્કર પગલાં લેવાની દરખાસ્ત ફગાવી દેવાઈ છે. રાજ્યના શાસક ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) ના ધારાસભ્યોએ સોમવારે રાત્રે બેઠક કરીને એક ઠરાવ પસાર કર્યો હતો. જેમાં જીરીબામ જિલ્લામાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ સામે 7 દિવસની અંદર કાર્યવાહીની માંગણી સાથે મોટી ઝુંબેશ ચલાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 27 ધારાસભ્યોએ હાજરી આપી હતી પરંતુ મેઇતેઈ સમુદાયના નાગરિક સંગઠનોએ તેને નકારી કાઢી છે. અને સરકારને 24 કલાકની અંદર કુકી આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવા અલ્ટીમેટમ આપ્યું છે.
મણિપુરમાં છ નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓ વિરુદ્ધ સાત દિવસની અંદર કાર્યવાહીની માગ સાથે મોટું અભિયાન શરૂ કરાશે. નિવેદનમાં કહેવાયું છે કે, છ નિર્દોષ મહિલાઓ અને બાળકોની હત્યા માટે જવાબદાર કુકી આતંકવાદીઓના સંગઠનને ગેરકાયદેસર જાહેર કરવામાં આવે. આ ઘટનામાં તાત્કાલિક તપાસ માટે NIA કેસ સોંપવામાં આવે.
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકાર 14 નવેમ્બરના આદેશ અનુસાર તાત્કાલિક અસરથી AFSPAના અમલીકરણની સમીક્ષા કરશે. વધુમાં જો આ દરખાસ્તોને નિર્ધારિત સમયગાળામાં લાગુ કરવામાં નહીં આવે, તો તમામ NDA ધારાસભ્યો મણિપુરના લોકો સાથે પરામર્શ કરીને આગળની કાર્યવાહી નક્કી કરશે. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મણિપુરમાં શાંતિ અને સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે શક્ય તેટલી વહેલી તકે તમામ જરૂરી પગલાં લે. ધારાસભ્યોએ મંત્રીઓ અને ધારાસભ્યોની મિલકતો પર હુમલાની પણ નિંદા કરી હતી.
મુખ્યમંત્રી સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ સત્તાવાળી સમિતિના તારણોના આધારે ઉપદ્રવીઓની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પડોશી રાજ્ય આસામે મણિપુર સાથેની તેની સરહદ સીલ કરી દીધી છે. આસામ પોલીસે રાજ્યની સરહદ પર કમાન્ડો તૈનાત કરી દીધા છે.
જણાવી દઈએ કે ગયા વર્ષે મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે જાતિય હિંસા ફાટી નીકળી હતી. ત્યારથી મણિપુરમાં અશાંતિ છે. આ મહિનાની શરૂઆતમાં જીરીબામ જિલ્લામાં મહિલાઓ અને બાળકો સહિત છ લોકો માર્યા ગયા ત્યારે અશાંતિ વધી હતી. આ પછી હિંસાનો નવો તબક્કો શરૂ થયો છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે વધુ સુરક્ષા દળો મોકલવા પડ્યા છે.