
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં સાપુતારા – નવાગામ ખાતે રહેતા 39 વર્ષીય યુવકે બુધવારની રાત્રીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.ત્યારે આ મૃતક યુવક ડાંગ જીલ્લા પેરાગ્લાઇડીંગ એસોસીએશનમાં ભાગીદાર હોય જેથી યુવક સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ વચ્ચે એગ્રીમેન્ટ થયો હતો.પરંતુ એગ્રીમેન્ટ મુજબનાં હીસાબનાં ભાગનાં રૂપીયા મૃતક યુવકને નહી આપી,ત્રણેય ભાગીદારોએ યુવકને આત્મહત્યા કરવા પ્રેરિત કરેલ હોય તેવા આક્ષેપ સાથે મૃતકની પત્નીએ સાપુતારા પોલીસ મથકે ત્રણેય ભાગીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં નવાગામ- સાપુતારા ખાતે રહેતા રમેશભાઈ એકનાથભાઈ વાઘમારે (ઉ.39) એ બુધવારની રાત્રી દરમ્યાન સાપુતારા નવાગામ માર્ગ પર આવેલ ઈકોપોઈંટ પાસે આવેલ શિવશક્તિ મંદિર પાસે ઉંબરાનાં વૃક્ષની ડાળી સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં ગુરુવારે સવારનાં અરસામાં લાશ મળી આવતા ગ્રામજનોએ સાપુતારા પોલીસની ટીમને જાણ કરી હતી.ત્યારે આ આત્મહત્યાનાં મામલામાં નવો વળાંક સામે આવતા ચકચાર મચી જવા પામી છે.મરણ જનાર યુવકની પત્ની મંદાબેન રમેશભાઈ વાઘમારે એ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર,રમેશભાઈ એકનાથભાઈ વાઘમારેએ ડાંગ જીલ્લા પેરાગ્લાઇડીંગ એસોશીએશનનાં પેરાગ્લાઇડીંગના ભાગીદારોમાં હેમંતભાઇ ગંગારામભાઈ હડસનાઓ સાથે એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો.જેમાં જયાં સુધી પેરાગ્લાઈડીંગ ચાલશે ત્યાં સુધી એક ફલાઇંગના 150 લેખે રૂપીયા આપવામાં આવશે અને આ એગ્રીમેન્ટમાં રમેશભાઈ એકનાથભાઈ વાધમારે તથા ગિરીશભાઈ કૃષ્ણભાઈ પટેલ તથા સુરેશભાઈ રામદાસભાઈ બાગુલ તથા હેમંતભાઈ ગંગારામભાઈ હડસ ( ત્રણેય રહે.નવાગામ સાપુતારા તા.આપવા જી.ડાંગ) એમ મળી કુલ ચાર ભાગીદાર હતા.પરંતુ હેમંતભાઈ હડશ,સુરેશભાઈ બાગુલ અને ગિરીશભાઈ પટેલે હિસાબ મુજબના ભાગના રૂપીયા રમેશભાઈ વાઘમારેને આપતા નહોતા. જેના કારણે રમેશ વાઘમારે તણાવમાં રહેતા હતા.અને રમેશભાઈ વાઘમારે આ ત્રણેય પાસે રૂપિયાની માંગણી કરતા તો આ ત્રણેય તેમને હેરાન કરતા હતા.ત્યારે આ ત્રણેયએ રમેશભાઈ વાઘમારેને આત્મહત્યા કરવા મજબુર કરેલ છે.ત્યારે આ મામલે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર. એસ.પટેલ દ્વારા મૃતક રમેશ વાઘમારેની પત્ની મંદાબેનની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




