Jetpur: જેતપુરમાં બે વર્ષ પહેલાં જુના રેન બસેરાની અગાસી પર યુવકની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા.

તા.૨૨/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jetpur: જેતપુરમાં કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ જુના રેન બસેરામાં ઉછીના લીધેલા રૂા.૭૦૦ પરત ન મલતા એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાંખેલ હતી જેના આરોપીને તાત્કાલીક ઝબ્બે કરી તપાસનીશ પોલીસ અધિકારીએ ખુબજ ટુંકા ગાળામાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જસીટ કરી હતી. જે કેસ ચાલી જતા આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છેકે ગત તા.૨૪/૧૧/૨૨ના રોજ જેતપુર શહેરમાં કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલીત રેન બસેરાની ઈમારતની છત ઉપર એક ઈસમની લાશ મળી આવતા પોલીસે યુવકની ભાળ મેળવી તેના સગા સબંધીઓને બોલાવેલ હતા. મરણ જનાર ઈસમ મુકેશ દેવશીભાઈ સીદીભાઈ પરમારની લાશનું પોલીસે રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવતા, યુવકના મૃત્યુ અંગે ખુલાસો થયેલ કે, મુકેશના માથાની પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થનો ઘા લાગવાથી તેનું મૃત્યુ થયેલ છે. જેથી મરણ જનાર મુકેશના ભાઈ અતુલભાઈ દેવશીભાઈ પરમાર (રહે. પ્લોટ વિસ્તાર, થાણા ગાલોલ)ની ફરીયાદ લઈ જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો નોંધવામાં આવેલ હતો.
આથી રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે આ મર્ડરના આરોપીને પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે આર.એ. ડોડીયા નાયબ પોલીસ અધિક્ષકના જરૂરી માર્ગદર્શન હેઠળ, તત્કાલીન પોલીસ ઈન્સ. એ.એમ. હેરમાએ ગુનાની તપાસ જાતેથી સંભાળેલ અને ગણતરીની કલાકોમાં આ ગુનામાં આરોપી સવજીભાઈ ડાયાભાઈ બગડા, અનુ.જાતિ. (રહે.થાણા ગાલોલ) પકડી પાડેલ અને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ. બાદ તપાસનીશ અધિકારીએ ગુનાની તપાસ ખુબ જ ટુંકા ગાળામાં પૂર્ણ કરી, આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા એકઠા કરી કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરેલ. જે કેસ સેશન્સ કોર્ટમાં કમીટ થતા સેશન્સ કોર્ટે ફરીયાદી તપાસ કરનાર અધિકારી, પંચો, સાહેદો તથા ફોરેન્સિક પુરાવાને તપાસેલ તેમજ આ ગુનામાં રોકાયેલ સરકાર તરફે સરકારી વકીલ કેતન પંડયાની દલીલો આધારે કોર્ટે આરોપી સવજીભાઈ ડાયાભાઈ બગડા, અનુ.જાતિ. રહે. થાણા ગાલોલ, તા.જેતપુર વાળાને તકસીરવાર ઠેરવી, આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારેલ છે.




