
ઝઘડિયા તાલુકાના અવિધા ગામે બંધ મકાનમાંથી રાત્રી ચોરો સોનાચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ રૂપિયા ૯૬૦૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા

મકાનમાલિક મકાન બંધ કરીને ભરૂચ ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે તસ્કરો હાથફેરો કરી ગયા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે રાત્રી દરમિયાન ત્રાટકેલા તસ્કરો એક બંધ મકાનને નિશાન બનાવી મકાનનું તાળું તોડીને સોનાચાંદીના દાગીના અને રોકડા રુપિયા મળી કુલ રૂપિયા ૯૬૦૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ અવિધાના પરમાર ફળિયામાં રહેતા દિનેશભાઇ મોહનભાઈ વણકર ગતરોજ તા.૨૩ મીના રોજ સવારના દસ વાગ્યાના સમયે પત્ની સાથે ભરૂચ ખાતે લગ્નમાં ગયા હતા અને તેમનો દિકરો ઝઘડિયા જીઆઇડીસીમાં નોકરીએ ગયો હતો. ત્યારબાદ નોકરીએ ગયેલ તેમનો દિકરો અર્પિત આજરોજ સવારના સાત વાગ્યે ઘરે આવ્યો ત્યારે ઘરના દરવાજાનું તાળું તુટેલું જણાયું હતું. ઘરમાં તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડેલ હોઇ ઘરમાં ચોરી થઇ હોવાનું જણાયું હતું. ઘરમાં તપાસ કરતા ઘરમાં રાખેલ સોનાની બુટ્ટી,ચાંદીના સાંકળા,ચાંદીનો સિક્કો,સોનાનો સિક્કો જેવા સોનાચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા ૯૬૦૦૦ નો સામાન ચોરાયો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ભરૂચ લગ્નમાં ગયેલ દિનેશભાઇ ચોરીની ઘટનાની જાણ થતાં ઘરે પરત આવ્યા હતા. ચોરીની આ ઘટના બાબતે દિનેશભાઇ વણકરે તેમના બંધ મકાનનું તાળુ તોડીને રૂપિયા ૯૬૦૦૦ જેટલી કિંમતનો મુદ્દામાલ ચોરી જનાર અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ઈરફાનખત્રી
રાજપારડી



