DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિધ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો

મહાનુભાવોએ જિલ્લા ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા તૈયાર કરાયેલ TLM સામગ્રી તથા પોષક વાનગીના સ્ટોલની મુલાકાત લીધી

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

ગુજરાત સરકારના કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ દેવભૂમિ દ્વારકા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રિધ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં ટાઉનહોલ ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ .બી.પાંડોરે જણાવ્યું હતું કે, ભૂલકાંઓના સર્વાંગી વિકાસમાં જો કોઈનો સિંહફાળો હોય તો તે આંગણવાડી બહેનો છે. બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાંઓને પોતાના સંતાનો માફક માતા-પિતા જેવો જ હેત વરસાવી પ્રેમભાવ અને  સંસ્કારોનું સિંચન કરી દેશના  ભવિષ્યને સાચી દિશા આપવાનું ખૂબ જ ઉમદા કાર્ય કરી રહ્યાં છે.  સરકાર વિવિધ યોજનાઓ થકી દેશના ભવિષ્યને સશકત બનાવવાનો દ્રઢ સંકલ્પ લીધો છે.

આ ભૂલકાં મેળામાં જિલ્લાના  ઘટકના આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા બાળકોના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલી TLM સામગ્રી તથા આંગણવાડીમાં બાળકોને આપવામાં આવતા બાળશક્તિ તેમજ અન્ય પોષક સામગ્રીમાંથી બનાવેલી વાનગીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સર્વે મહાનુભાવો દ્વારા આ સ્ટોનની મુલાકાત લેવામાં આવી હતી.

આંગણવાડીના નાના ભૂલકાંઓ દ્વારા મહાનુભાવો અને ઉપસ્થિત સર્વે નાગરિકો સમક્ષ સાંસ્કૃતિક કૃતિઓ  પ્રસ્તુત કરીને સર્વેને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્ટોલ અને કૃતિ પ્રસ્તૃતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો, આંગણવાડી કાર્યકરોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી તથા ઇન્ચાર્જ ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રેશકુમાર ભાંભી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી પ્રફુલ જાદવ, અગ્રણી શ્રી જગાભાઈ ચાવડા, અધિકારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને આંગણવાડીના ભૂલકાંઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!