BHARUCHGUJARAT

વાગરા: મીડિયામાં સમાચાર પ્રકાશિત થયા બાદ આખરે ફરિયાદ નોંધાઇ!, ઘરેણાં મળી 16.13 લાખની મત્તાની ચોરી

સમીર પટેલ, ભરૂચ

વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે 16.13 લાખની મત્તાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે. વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે.

વાગરાની પોસ્ટ ઓફીસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરતબ અજમાવ્યો હતો. સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળીયા વિસ્તારમાં રહેતા યોગેશચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ખાતે ગયા હતા. પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સબંધીને ત્યાં ગયા હતા. અને ત્યાંજ રાત્રી રોકાણ કર્યું હતું. ત્યાર બાદ તારીખ ૨૭/૧૧/૨૦૨૪ ના રોજ સવારે 6 વાગ્યે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં CCTV કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો. તેમજ ઘરના આગળના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું. જેથી CCTV કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રીના સાડા ત્રણ વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. જે બાદ અંદાજીત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા. જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું. ત્યાર બાદ તેઓ તાબડતોબ સુતરેલ ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મુકેલ બંને તિજોરીના દરવાજા ખુલેલા હતા. અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો. જેમાં સોનાનો હાર, વીંટી, બુટ્ટી, ચેઇન, સોનાના તાર ચઢાવેલ બંગડી, તેમજ ચાંદીના જુડા, સાંકડા, ચાંદીના સિક્કા સહિત રોકડા 8000 મળી કુલ 16,13,000 ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજ મેળવી ચોરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે, કે ગત 16 નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારોથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારડાતને અંજામ આપી પલાયન થઇ ગયા હતા. જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિસે આજદિન સુધી માહિતી મળી નથી. જેની શ્યાહી હજી સુકાઈ નથી ત્યાં ટૂંકા સમયમાંજ બીજી ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની ઘટનાને લઈ પ્રજાજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વાગરા પોલીસ રાત્રી પેટ્રોલીંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાય રહ્યું છે.

Back to top button
error: Content is protected !!