નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યાના ચાર જ દિવસમાં નગરપાલિકા તંત્રએ અરજદારની સમસ્યાનું તાત્કાલિક નિરકારણ લાવ્યું..
નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યાના ચાર જ દિવસમાં નગરપાલિકા તંત્રએ અરજદારના ઘરના ધાબા પરથી ગંદકી દૂર કરી ચોખ્ખું-ચણાક કરી દીધું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યાના ચાર જ દિવસમાં નગરપાલિકા તંત્રએ અરજદારના ઘરના ધાબા પરથી ગંદકી દૂર કરી ચોખ્ખું-ચણાક કરી દીધું*
*૬૭ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી અને અરજદાર દલસુખભાઈ કટારિયાએ કલેક્ટરશ્રી સમક્ષ હર્ષની લાગણી વ્યક્ત કરી*
નવસારી: જનફરિયાદ નિવારણ માટેના અસરકારક માધ્યમ એટલે કે સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આજે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સરકાર દ્વારા નિયત કરાયેલા નિયમો મુજબ પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો સંબંધિત આવેલી અરજીઓમાંથી મહત્તમ અરજીઓને તાત્કાલિક ઉકેલવા માટે કલેક્ટરશ્રી દ્વારા સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેના કારણે મોટા ભાગના અરજદારોના પ્રશ્નોનું સકારાત્મક સમાધાન સ્થળ પર જ મળ્યું હતું.
આજના આ કાર્યક્રમમાં વિજલપોર વિસ્તારમાં રહેતા ૬૭ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારીને જિલ્લા સ્વાગત કાર્યક્રમની સફળતા અને અસરકારકતાનો સુખદ અનુભવ થવા પામ્યો હતો. વાત એમ છે કે, અરજદાર દલસુખભાઈ કટારિયાએ થોડા સમય પૂર્વે પોતાના પાડોશી તેમના ઘરના ધાબા પર ગંદકી ફેલાવતા હોવાથી તેમજ આરોગ્ય જોખમાય તેવી પરિસ્થિતિ ઊભી થવાના કારણે સમસ્યાનો ઉકેલ લાવવા માટે નવસારી-વિજલપોર નગરપાલિકાને ફરિયાદ સહ રજૂઆત કરી હતી.
ઉક્ત સમસ્યાનો ઉકેલ આવવામાં થોડું મોડું થતા અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પોતાની અરજી આપી હતી. અરજી આપ્યાના ચાર જ દિવસમાં કલેક્ટર તંત્ર દ્વારા સમસ્યાના ત્વરિત નિવારણ માટે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી. અને અરજી કર્યાના ચાર જ દિવસમાં અરજદારના ઘરના ધાબા પરથી ગંદકી દૂર કરી તેને ચોખ્ખું ચણાક કરી દીધું હતું તેમજ ગંદકી કરતા પાડોશી ઈસમને ચેતવણી આપવામાં આવી હતી.
આજરોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા અરજદાર અને નિવૃત્ત બેન્ક કર્મચારી દલસુખભાઈ કટારિયાએ પોતાની સમસ્યાના ત્વરિત અને સકારાત્મક ઉકેલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ અને કલેક્ટર તંત્રનો આભાર માની હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી ઉપસ્થિત તમામ અરજદારોના વણઉકલ્યા પ્રશ્નોને સાંભળી સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી. તેમજ આ સાથે જ કલેક્ટરશ્રીએ તમામ વિભાગના અધિકારીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉકેલના સઘન પ્રયાસો અને હકારાત્મક અભિગમથી પ્રભાવિત થઈને જિલ્લાના અરજદારોએ સરકારશ્રીના સ્વાગત કાર્યક્રમને સમસ્યાના ત્વરિત સમાધાનનો સરળ માર્ગ ગણાવ્યો હતો.
લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા મહાયજ્ઞની સુવાસ આજે ગુજરાતમાં ચોમેર પ્રસરી રહી છે. લોકોની રજૂઆતોનું સંવેદનશીલતાથી ‘સ્વાગત’ થઈ રહ્યું છે. રાજ્ય સરકારની આ ઝૂંબેશની ફળશ્રુતિ નવા અને સારા અનુભવો તથા પ્રતિભાવો સ્વરૂપે મળી રહી છે.




