ભરૂચના ચાવજ ખાતે આવેલ વડોદરાના શિક્ષકની જમીન પિતા પુત્રએ ખોટા દસ્તાવેજોના આધારે વેચી રૂપિયા 92 લાખની છેતરપિંડી કરી હોવાના મામલામાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


સમીર પટેલ, ભરૂચ
વડોદરાના ખોડિયાર નગર ખાતે રહેતાં અખિલેશ રામપ્રકાશ શર્મા અલકાપુરાના આઇઆઇટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરતાં હતાં. તેઓવર્ષ 2006થી 2016 સુધી ભરૂચ જિલ્લામાં પરિવાર સાથે રહેતાં હતાં અને ટ્યુશન ક્લાસિસ ચલાવતાં હતાં. તેમને પ્રાઇમરી સ્કૂલ ખોલવાની ઇચ્છા હોઇ 2010માં તેમણે છાયાબેન ગુણવંતરાય બારોડિયા, અજય ગુણવંતરાય બારોડિયા પાસેથી 1.75 લાખમાં પ્લોટ ખરીદી કર્યો હતો. જેનો દસ્તાવેજ પણ તેમણે કર્યો હતો. જે બાદ તેઓ વડોદરા રહેવા જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં તેમના પ્લોટ પાસે રહેતાંતેમના મિત્ર સંજયે તેમને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા પ્લોટ પર સાફસફાઇ કરવા માટે જેસીબી ચાલે છે. જેથી તેઓ તુરંત ભરૂચ આવી પહોંચ્યાં હતાં. જેસીબીના ડ્રાઇવર થકી તેમને માલુમ પડ્યું હતું કે, યોગી ટાઉનશીપ ખાતે રહેતાં કિરણ પટેલ તેમજ તેમના પાર્ટનરોએ તે કામ કરાવી રહ્યાં છે. તેમની મુલાકાત કરતાં જાણવા મળ્યું હતું કે, તેમણે ત્યાં જ પદ્માબેન વાસુદેવ લોટવાલા પાસેથી જે તે સમયે નબીપુર અને હાલમાં રહાડપોર ખાતે રહેતાં ઐયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમીર નામના બ્રોકરની મદદથી જમીન ખરીદી હતી. બાજુમાં આવેલાં અખિલેશ શર્માના પ્લોટ પણ તેમને જોઇતાં હોઇ ઐયુબ અને તેના પુત્ર આમીરે તેમને તે અપાવવાના બહાને તેમની પાસેથી 20 લાખ રૂપિયા ટોકન લીધાં હતાં. જે બાદ ઐયુબે વર્ષ 2023માં સાતેક મહિના સુધી અખિલેશને ફોન કરી તેમના પ્લોટના વેચાણની વાત કરી હતી. જોકે, તેમણે પ્લોટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આખરે ઐયુબ અને તેના પુત્ર આમીરે ગાંધીનગર ખાતે રહેતાં અક્ષય જોષી નામના વ્યક્તિ સાથે મળી તેને અખિલેશ શર્માનું નામ ધારણ કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યાં બાદ તેના આધારે ખોટા દસ્તાવેજના આધારે રજીસ્ટરમાં દસ્તાવેજ કરી કિરણ અને તેમના પાર્ટનરોપાસેથી કુલ 92 લાખ પડાવી લીધાં હોવાનું જાણવા મળ્યું હતું. જેના પગલે તેમણે ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




