
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૦૨/૧૨/૨૦૨૪
૨૦૨૪ જંત્રી નો જે સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે અમો ભરૂચ જિલ્લા ના વાલિયા તાલુકા ના તમામ ગામોના નાગરિકો ને અસ્વીકાર્ય છે અને સરકાર દ્વારા મિલકતો ના મુસદ્દારૂપ અવમૂલ્યાંકન નો સખત વિરોધ કરીએ છીએ.
વિરોધ ના અન્ય મજબૂત કારણો, તર્કો અને કેટલાક વ્યાહરું પ્રશ્નો નીચે મુદ્દાસર રજૂ કરેલા છે. જે સરકારે ધ્યાન માં લેવા જ પડશે અને ઘટતા સુધારા વધારા પણ કરવા જ પડશે તેવી વાલિયા તાલુકા ના તમામ નાગરિકોની સરકાર પ્રત્યે વિશ્વાસ સાથે માંગણી કરતા ભરૂચ સાંસદ મનસુખ વસાવાને લેખિત રજુઆત કરી જણાવ્યું કે
સન ૨૦૧૧ પછી રાજ્ય ની જંત્રી માં કોઈ સુધારો નોહતો કરાયો અને ૨૦૨૩ માં ઠરાવ ક્રમાંક એસ ટી પી – ૧૨૨૦૨૩-૨૦-હ.૧ અન્વયે ૨૦૨૩ માં બમણી જંત્રી કરવામાં આવી હતી, જેથી કરી ૨૦૧૧ થી ૨૦૨૩ દરમિયાન, સરકાર ને રેવન્યુ નું ઘણું નુકશાન થયું છે. તો આ બાબત ને ધ્યાન પર લેતાં ૨૦૨૪ ડ્રાફ્ટ માં મિલકતો ના જંત્રી દર સં ૨૦૧૧ કરતાં પણ ઘટાડી, સરકારને અને વાલિયા તાલુકાના નાગરિકોને શું ફાયદો થશે?
૨૦૨૩ ના ઠરાવ ક્રમાંક એસ ટી પી – ૧૨૨૦૨૩-૨૦-હ.૧ અન્વયે જે ભાવ વર્તમાન સમય માં ચાલી રહ્યો છે તેના કરતાં, ૨૦૨૪ ના મુસદ્દારૂપ જંત્રી માં, ૭૦% ભાવ ઘટેલા દર્શાવ્યા છે. તો આમ કયા વૈજ્ઞાનિક સર્વે માં કોઈ પણ સંપત્તિ નું મૂલ્ય ૧૨ મહિના થી ઓછા સમય માં ૭૦% જેટલું ઘટી જાય એ બાબત નાગરિકો સાથે ચર્ચાવિ જોઈએ. વાલિયા તાલુકો ખનિજ સંપત્તિ ધરાવતો વિસ્તાર છે છતાં આ વિસ્તાર ની મિલકતો નું જે મુસદ્દારૂપ અવમૂલ્યાંકન સરકાર દ્વારા કરવામાં આવ્યું તે કોઈ પણ રીતે તર્કસંગત તથા યોગ્ય નથી.
જંત્રી સુધારા દરમિયાન, મિલકતો ના અવમૂલ્યન કરવા થી વાલિયા તાલુકા ના તમામ ગામો ના નાગરિકો સાથે, લોકકલ્યાણ તથા સામાજિક અને આર્થિક ઉદ્ધાર નો સરકાર અને સંવિધાન ના જે ઉદ્દેશ્યો છે તેનો જ ભંગ સરકારી તંત્ર દ્વારા થતો જણાય છે.
થોડા સમય પહેલાં જ રાજ્યપાલશ્રી તરફથી, વાલિયા તાલુકા ના કેટલાંક ગામો ની જમીન સંપાદન નો ઈરાદો ધરાવતી અધિસૂચનાઓ વિવિધ અખબારો માં તથા જે તે ગામ પંચાયતો માં પ્રસિદ્ધ થઈ હતી. તો આવી અધીસુચનાઓ પ્રસિદ્ધ થયા પછી જંત્રીના મુસદ્દારૂપ ડ્રાફ્ટ-૨૦૨૪ માં, વાલિયા તાલુકા ના અધિસુચના માં ઉલ્લેખ ધરાવતા ગામો ની જંત્રી ૭૦% જેટલી ઘટાડવા માં આવી જે ખુબજ આશ્ચર્યજનક છે. અને નાગરિકો ને આમાં કોઈ મોટા સંભવિત ભ્રષ્ટ્રાચાર ની આશકાઓ જણાઈ રહી છે.


