અંકલેશ્વરની ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં વેલ્ડીંગ વેળા બ્લાસ્ટમાં ચારના મોત, એક કામદારનો મૃતદેહ કંપની બહાર ફંગોળાયો

સમીર પટેલ, ભરૂચ
ઘટનાને લઇ પોલીસ, ફાયર એન્ડ સેફટી સહીત એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી
પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું
ન્યાયની માંગ સાથે પરિજનો અને કામદારોએ સ્થળ પર પહોંચેલા કલેક્ટરનો ઘેરાવો કર્યો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડેટોક્સ ઈન્ડીયા કંપનીમાં ફીડ ટેંકમાં રેલીંગ પર વેલ્ડીંગ દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થતા કોન્ટ્રકટના ચાર કામદારોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મોટી હોનારત સર્જાતા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. GIDC માં આવેલી ડેટોકસ ઇન્ડિયા કંપનીની ફીડ ટેન્કમાં રેલિંગ પર વેલ્ડીંગની કામગીરી મંગળવારે ચાલી રહી હતી.
કોન્ટ્રાકટના 4 કામદારો સારંગપુરના યોલેશ રામ, બિહારના મૂકેશ સિંગ, યુપીના હરીનાથ યાદવ અને અશોક રામહુકમ વેલ્ડીંગની કામગીરી કરી રહ્યા હતા.
અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતા ચારેય કામદારો દૂર ફંગોળાઈ ગયા હતા. જેમાં તેઓના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા હતા. એક કામદારનો મૃતદેહ તો કંપની સંકુલ બહાર દૂર ફંગોળાઈ પડ્યો હતો.
પ્રચંડ ધડાકાને લઈ અન્ય કામદારો પણ પ્લાન્ટમાંથી બહાર દોડી આવવા સાથે અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ GIDC પોલીસ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર ધસી આવી હતી. પરિજનોને ઘટનાની જાણ થતાં તેઓ પણ દુર્ઘટનાગ્રસ્ત કંપનીએ દોડી આવતા આક્રંદનો માહોલ છવાયો હતો.
મોટી ઔધોગિક હોનારતને લઈ જિલ્લા કલેકટર પણ કંપનીએ દોડી જતાં મૃતકના પરિજનો અને અન્ય કામદારોએ ન્યાયની પુકાર સાથે કલેકટર તુષાર સુમેરાનો ઘેરાવો કરી લીધો હતો.
ઘટના અંગે ચૈતર વસાવાને જાણ થતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી.
ચારેય મૃતકોના પરિજનો સાથે અન્ય કામદારો વળતર અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેસી જતા તંત્ર દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા સાથે ઘટના અંગે તંત્રે તપાસની તજવીજ હાથ ધરી છે.



