Navsari:-માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજલપોર ખાતે વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી રમતોત્સવ દ્વારા કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
વિશ્વ વિકલાંગ દિન” નિમિત્તે માનવ કલ્યાણ ટ્રસ્ટ”મમતા મંદિર”સંકુલના મેદાનમાં દિવ્યાંગો માટે વિધ-વિધ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રમતોત્સવમાં શ્રી પ્ર. સ. કોઠારી બહેરા-મૂંગા વિવિધલક્ષી, વિદ્યાલય તથાશ્રી મ. સ. કોઠારી મૂક-બધિર મા. અને ઉ. મા. શાળાના મૂક-બધિર બાળકો, મંદબુદ્ધિના બાળકોની વિવિધલક્ષી વિદ્યાલયના મનોદિવ્યાંગ બાળકો તથા અપંગ તાલીમ અને પુનર્વસન ઉદ્યોગ ભવનમાં તાલીમ લેતા દિવ્યાંગ બાળકો માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું. શાળાના ઉપપ્રમુખશ્રી ધનશ્યામભાઈ પટેલ તથા શાળાના દિવ્યાંગ બાળકોના વરદ્હસ્તે દિપપ્રાગત્ય કરી રમતોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
ધોરણ 1 થી ધોરણ 12 સુધીના દિવ્યાંગ બાળકોએ સંગીત ખુરશી, બોલ પ્લેટ રેસ, ફૂગ્ગા રેસ, ઓક્ટોપસ રેસ,અંગૂઠાની મદદથી કેળા ખાવાની રેસ, રસ્સા ખેચ. સિક્કા ફેરવવાની સ્પર્ધા, વોલીબોલ. બિંદી ગેમ. બોટલશુટ. બુક બેલેન્સ, ગ્લાસફોડ, બોલપાસ જેવી વિધ-વિધ રમતોમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષક ભાઈ-બહેનોએ મેદાન પર હાજર રહી બાળકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા. દરેક સ્પર્ધાઓમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલ બાળકોને ઈનામો આપી તાળીઓના ગડગડાટથી વધાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તથા સ્પર્ધામાં ભાગ લીધેલ બધા જ બાળકોને સંસ્થાના ટ્રસ્ટીગણે અભિનંદન પાઠવ્યા હતા.આ સ્પર્ધાઓમાં બાળકોનો ઉત્સાહ વધારવામાં માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એસ.વી.રાઠોડ, ચીફ ઓફિસર શ્રી એલ.ડી.પટેલ, ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલ. ટ્રસ્ટીશ્રી સંગીતાબેન, શ્રી ભુમિનભાઈ, શ્રી ફોરમબેન. ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.