BHARUCHGUJARAT

અંકલેશ્વર GIDCમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત, જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપનીમાં ગેસ ગળતરના કારણે મોત થયાની આશંકા, પરિવારની યોગ્ય વળતરની માગ

સમીર પટેલ, ભરૂચ

અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જે.બી. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં કામદારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોતની ઘટના વચ્ચે હવે પાનોલી ઔદ્યોગિક વસાહતમાં વધુ એક કામદારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મૂળ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના અને હાલ અંકલેશ્વરના સંજાલી ખાતે રહેતો 30 વર્ષીય આકાશ વસાવા પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલ જે.બી.કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં ફરજ બજાવે છે. કર્મચારી કંપનીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક બેભાન થઈ ગયો હતો. આથી તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર મળે તે પૂર્વે જ કર્મચારીનું મોત નીપજ્યું હતું.
આ બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કામદારનું મોત ગેસ ગળતરના કારણે નીપજયું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ કર્મચારીઓએ હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર મળે તે માટેની કંપની અને સરકારને રજૂઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!